સુરતીઓ રમા એકાદશીથી દિવાળીની ઉજવણીની શરૂઆત કરે. આંગણામાં રંગોળી પુરાય,ઘરના ઉંબરે રાત્રે દીવા મુકાય,નાસ્તો બનાવવાની શરૂઆત થાય,નાસ્તામાં થાપડા,સુવાળી,ગાંઠિયા,ઘુઘરા,ગોબાપુરી,ચોળાફળી,નાનખટાઈ વિ.બનાવાય,ધનતેરસના દિવસે ચોપડા લવાય,સત્યનારાયણની કથા થાય,ધનની પૂજા થાય,કાળી ચૌદસના દિવસે રાત્રે કાળી મેસ પાડવામાં આવે અને ઘરનાં બાળકોને મેસ આંજવામાં આવે,દિવાળીના દિવસે બપોરે ચોળાની દાળનાં વડાં બનાવાય,સાંજે ચોપડાપૂજન થાય,ફટાકડા ફોડાય,ઘરના આંગણે અને ઉંબરે દીવા મુકાય,ઘરના આંગણે મોડી રાત સુધી રંગોળી પુરાય,નવા વર્ષે સવારે વહેલાં ઊઠવું,સરબત સરબત બૂમો સંભળાય,બરક્તમાં મીઠાની ખરીદી થાય,શુકનમાં દહીં લવાય,કારખાનામા મુહૂર્ત થાય,ગોળ ધાણા અને શ્રીફળના કોપરાનો પ્રસાદ વહેંચાય,વહેલી સવારે મંદિરમાં જઇ ઇષ્ટ દેવતાના આશીર્વાદ લેવાય,ઘરના વડીલોના આશીર્વાદ લેવાય સાથે બોણીની આપ લે થાય,
દીકરીઓ જમાઈ સાથે પિયર જાય,ત્યાં દરિયાઈ મેવાનું જમણ થાય,પહેલાં સુરતી નાસ્તો થાય,ભાઈબીજના દિવસે બહેન ભાઈની પૂજા કરે,ગોડાદરામાં આસપાસ દાદાના મંદિરે દર્શને જાય,ખરવાસામાં તેજાનંદસ્વામી, હજીરામાં સિગોતેર માતા, સગરામપુરામાં ક્ષેત્રપાળ દાદા, અંબિકાનિકેતનમાં અંબાજીના દર્શને લોકો જાય.આમ લાભ પાંચમ સુધી તહેવારની ઉજવણી થાય,જલારામ બાપાની સાલગીરી ઉજવાય,ધીમે ધીમે ધંધાપાણી ચાલુ થાય,ત્યાં દેવદિવાળીએ તુલસીવિવાહ ઉજવાય,પૂનમે લોકો ઉનાઈ,મહાલક્ષ્મીની જાત્રાએ જાય. અંતે રંગેચંગે દિવાળી પર્વ પૂર્ણ થાય.
સુરત. -કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મોબાઈલ સેવા
વિશ્વમાં મહત્તમ મોબાઈલ ફોનધારકો ભારતમાં છે. અનેક ફોન અને ઇન્ટરનેટ સેવા આપનારા છે. ગ્રાહક પોતાની અર્થશક્તિને આધીન પ્રિ/પોસ્ટ પેઇડ સેવાનો વિનિયોગ કરે છે અને મહિના માટે કે તેથી વધુ સમય માટે સેવા ખરીદે છે. પૂર્વે વ્યાજવટું કરનારાઓમાં પઠાણી ઉઘરાણી જેવો શબ્દપ્રયોગ પ્રચલિત હતો. આવું જ કંઇક આ સર્વિસ પ્રોવાઈડર્સ કરે છે. આપ સવારની પાળીમાં ભણાવી આવ્યા છો. જગત હજી દંતાવલી પર કૂચડો ફેરવતું હતું ત્યારે તમારો એક તાસ પૂરો થઈ ગયો હતો. આ કારણસર તમે બપોરે સહેજ આડા પડો છો.
નિંદર રાણી રીઝે છે અને પલકો સજ્જડ બંધ થઈ જાય છે. મીઠી અને મોંઘેરી ઊંઘ માણવાની તૈયારી હોય છે અને બરાબર એ જ વખતે રિંગ વાગે છે. પ્રિ રેકોર્ડેડ અવાજ તમને જરૂર કરતાં અધિક વિનમ્ર સ્વરમાં કહે છે કે, આપની સેવાની અવધિ પૂર્ણ થતી હોઈ રિચાર્જ કરાવો. ભારતમાં આટલી નમ્રતા અનુભવી રોમહર્ષ થયા વિના ન રહે. ભારતમાં જન્મ લીધો હોવાનું ગૌરવ થાય અને જાત ધન્યતા અનુભવે. સેવા અવધિ પૂર્ણ થયા પહેલાં અને પછી ફોન આવતો રહે છે. જો ગ્રાહક સંજોગવશાત્ રિચાર્જ કરાવવાનું ચૂકી જાય છે તો ફોન આવે છે. જે તે કંપનીના પ્રતિનિધિ વાત કરે છે. ગ્રાહકને તાત્કાલિક રિચાર્જ કરવાનું જાણે કે ફરમાન કરવામાં આવે છે.
ગ્રાહક હકારાત્મક પ્રત્યુત્તર આપશે તો પૂછવામાં આવશે કે તે ક્યારે રિચાર્જ કરાવશે. આવું જ એક આર ઔ પ્લાન્ટની જાહેરાતમાં સિને તારિકા દર્શકોને પૂછે છે, ‘આપ કબ kહરીદ રહે હો?’. મેમ, આપ નાણાં ગૂગલ પૈ કરો એટલી જ વાર. આ બધી વધુ ભણેલાં લોકોની મગજમારી છે. આ વિદેશની નકલ સિવાય અન્ય કશું જ નથી. વળી, ફોન એકલા નથી આવતા, મેસેજિસ પણ ગુલાબજાંબુ સાથે જાણે ચાસણી. હવે બીજી ત્રીજી સેવાને તો dndનો મેસેજ કરી ત્રાસમુક્ત થઈએ, પરંતુ આપણે જેની સેવા લીધી છે તેનાં મેસેજ અને ફોન તો આવવાના જ. એને સહ્યે જ છૂટકો. આ સઘળી સેવાઓ માશૂકા છે. એના વિના રહેવાય નહીં ને એની ગુસ્તાખી સહેવાય નહીં. ગ્રાહકો ધન લૂંટાવતા રહે છે અને સર્વિસ પ્રોવાઈડર્સ ‘જીઓ ધન ધનાધન’.
બારડોલી. -વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.