Comments

ભારતે પોતાની ભૂમિકા બદલી છે, ટીપીકલ ખુમારી વિના

મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમેનિટીઝ દ્વારા પેલેસ્ટાઈન ઇઝરાયેલના પ્રશ્ન પર પૂર્વ પત્રકાર અને વિદ્વાન સંશોધક અચિન વનાયકનું વિદ્યાર્થીઓ માટે ગયા સોમવારે વકતવ્ય રાખવામાં આવ્યું હતું. અચાનક આઇઆઇટીના સંચાલકોએ ઈ-મેઈલ દ્વારા જાણ કરી કે વકતવ્ય સોમવારની જગ્યાએ મંગળવારે યોજાશે અને એ પછી બીજા દિવસે જાણ કરવામાં આવી કે વકતવ્ય રદ કરવામાં આવ્યું છે.

સંચાલકોએ એમ ધાર્યું હશે કે વકતવ્યની તારીખ છેલ્લી ઘડીએ બદલી નાખવામાં આવે તો શ્રોતાઓની સંખ્યા ઘટી જશે અને કદાચ એવું પણ બને કે વક્તા મંગળવારે અન્યત્ર રોકાયેલા હોય તો તેઓ જ મંગળવારે ઉપસ્થિત ન રહે. પણ તેમના કમનસીબે એવું બન્યું નહીં. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સભ્યો પ્રા. વનાયકને સાંભળવા આતુર હતાં અને વનાયક એક દિવસ વધુ મુંબઈ રોકાવા તૈયાર હતા. છેવટે સંચાલકોએ સમૂળગું વકતવ્ય જ રદ કરી નાખ્યું. આ લોકો શું આટલા બધા ડરપોક છે? વાત તો ચોવીસે કલાક મર્દાનગીની કરે છે અને એક વિદ્વાનના અવાજથી ડરે છે? એવો વિદ્વાન જેને ગણ્યાગાંઠ્યા વિદ્વદજનો સિવાય આમ જનતા ઓળખતી પણ નથી.

આ લખનાર જેવા અનેક લોકોએ તેમની (હિન્દુત્વવાદીઓની) કાલીઘેલી વાતો આખી જિંદગી સાંભળી છે, ધીરજપૂર્વક સહન કરી છે, પાથીએ પાથીએ તેલ રેડીને બુદ્ધિ જગાડવાની નિરર્થક કોશિશ કરી છે, પણ કયારેય તેમના અવાજને રૂંધવાનો પ્રયાસ નથી કર્યો. ક્યારેય માગણી નથી કરી કે તેમને બોલતા અટકાવવામાં આવે. વીસ વરસ પહેલાં નથુરામ ગોડસેની આરતી ઉતારતું નાટક મરાઠી ભાષામાં ભજવાતું હતું અને કેટલાંક લોકો તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતાં હતાં ત્યારે આ લખનારે પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. તેમને પણ પોતાની વાત કહેવાનો અધિકાર છે. તેમણે માત્ર એટલું કબૂલ કરવું જોઇએ કે ગાંધીજીને પણ પોતાની વાત કહેવાનો અને કૃતિ કરાવાનો અધિકાર હતો જે નથુરામે તેમની હત્યા કરીને કાયમ માટે છીનવી લીધો હતો.

જી હા, એ લોકો ડરે છે. સત્તા તેમ જ પ્રચંડ લોકપ્રિયતા કે લોકસમર્થન છતાંય વિચારની આ જે તાકાત છે એનાથી તેઓ ડરે છે. મધ્યકાલીન કૅથલિક ચર્ચ આનું ઉદાહરણ છે. બીજાની ક્યાં વાત કરીએ, રાજાઓ ચર્ચથી ડરતા હતા. પ્રજા અને રાજ્યો (રાજ્ય નહીં રાજ્યો, અનેક દેશો) તેની મુઠ્ઠીમાં હતાં. પણ ચર્ચને પણ ગેલેલિયો જેવા શંકા કરાનારાઓથી, પ્રશ્ન કરનારાઓથી, વિચારનારાઓથી ડર લાગતો હતો. સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા નથી કરતો, પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને પૃથ્વી ગોળ છે એમ જ્યારે ગેલેલિયોએ કહ્યું ત્યારે ગેલેલિયોને ભોજોભાઈ પણ નહોતો ઓળખાતો. આમ છતાં ચર્ચે ગેલેલિયોને મૃત્યુદંડ આપ્યો હતો અને ડરાવીને માફી મંગાવી હતી. ગેલેલિયોએ ત્યારે જીવ બચાવવા એક વાર માફી તો માગી લીધી, પણ ચર્ચ સદીઓથી માફી માંગે છે.

ડરવા માટે તેમની પાસે કારણ છે. સત્તા અને ટોળાંના જોરે તેઓ તેમનો ડર છૂપાવવાની ચેષ્ટા કરે છે, પણ ડર દૂર કરી શકતા નથી. લોકોની આંખ ઉઘાડનારા અવાજો લોકો સુધી ન પહોંચે એ સારુ તેઓ નિરર્થક વિષયો પર ઘોંઘાટ કરીને એ અવાજોને દબાવવાનો પ્રયાસ કરે છે. પણ સમસ્યા એ છે કે તેમને ન ગમતા અવાજો લોકો સુધી પહોંચે જ છે. એટ લીસ્ટ એ લોકો સુધી તો પહોંચે જ છે, જે સત્ય જાણવા માગે છે, જેમનામાં બુદ્ધિ છે, જે પૂર્વગ્રહપીડિત નથી અને જેઓ બીજાના દોરવાયા દોરાવું એને પોતાનું અપમાન સમજે છે. એવાં લોકો ગમે તે માર્ગે સત્ય સુધી પહોંચી જ જાય છે. માટે તો મૂંડક ઉપનિષદમાં કહેવાયું કે સત્યનો જ જય થાય છે અને અસત્યનો વિજય ક્યારેય નથી થતો. અસત્યનો તાત્કાલિક વિજય થતો નજરે પડે તો એનો અર્થ એ નથી કે તે અંતિમ વિજેતા છે. જો પ્રાચીન યુગમાં સત્ય ભલે મોડેથી પણ આખરે લોકો સુધી પહોંચતું હતું તો આજના પ્રત્યાયન યુગમાં તો એ વધારે આસાનીથી પહોંચી શકે.

શું પ્રા. અચીન વનાયક ઇઝરાયેલની ટીકા કરત એ ડરથી તેમનું વક્તવ્ય રદ કરવામાં આવ્યું? સતાવાળાઓએ કારણ તો બતાવ્યું નથી, પણ કારણ સાચું કારણ છે ઇઝરાયેલ હમાસ યુદ્ધ વિશેની ભારતની ભૂમિકા. દાયકાઓથી ભારત પેલેસ્ટાઇનની રાષ્ટ્રીયતાનો સ્વીકાર કરતું આવ્યું છે. જો ઇઝરાયેલ ૧૯૪૮ પછીની એક હકીકત છે તો પેલેસ્ટાઇન એનાં પહેલાંની સદીઓ જૂની હકીકત છે. ઈઝરાયેલે પેલેસ્ટાઇનનો સ્વીકાર કરવો જોઈએ અને સહઅસ્તિત્વ માટે અનુકૂળ થવું જોઈએ. પણ ભારતે અત્યારે પોતાની ભૂમિકા બદલી છે. એ પણ ટીપીકલ ખુમારી વિના. ઈઝરાયેલની સાથે છે, પણ યુનોમાં ગેરહાજર રહી ઈઝરાયેલની તરફેણમાં મત આપવાનું ટાળે છે. યોગ્ય રીતે જ હમાસના હુમલાની વિરુદ્ધ છે, પણ પેલેસ્ટાઇન વિષે સ્પષ્ટ ભૂમિકા લેવાનું ટાળે છે. પાછું આરબ દેશો નારાજ થશે એનો ડર પણ લાગે છે. સચિન વનાયક આની આલોચના કરત એ વાતનો આઇઆઇટીના સંચાલકોને ડર હતો.
આને લોકતંત્ર કહેવાય?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top