આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું શરાબ કૌભાંડમાં જેલમાં જવાનું નક્કી છે. હવે જોવાનું એ રહે છે કે અરવિંદ કેજરીવાલ જો જેલમાં જશે તો દિલ્હીના મુખ્ય પ્રધાન કોણ બનશે? એ બાબતમાં જાતજાતની અટકળો ચાલી રહી છે. બિહારના તત્કાલીન મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં જેલમાં જવું પડ્યું ત્યારે તેમણે પોતાની અભણ પત્ની રાબડી દેવીને બિહારની મુખ્ય મંત્રી બનાવી હતી અને તેમના પક્ષના વિધાનસભ્યો તે માટે તૈયાર પણ થઈ ગયા હતા.
અરવિંદ કેજરીવાલ પણ જેલમાં જતાં પહેલાં દિલ્હીના મુખ્ય પ્રધાનના પદ ઉપરથી રાજીનામું આપીને પોતાની પત્ની સુનીતા કેજરીવાલને મુખ્ય પ્રધાનની ગાદી પર બેસાડતાં જાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ કેજરીવાલના વિશ્વાસુ આતિશીને મુખ્ય પ્રધાન બનાવવાની હિમાયત કરી રહ્યા છે. કેટલાક સભ્યો કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલે જેલમાં રહીને પણ દિલ્હીની સરકાર ચલાવવી જોઈએ, પણ મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપવું જોઈએ નહીં. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કોઈ નેતાએ જેલમાં રહીને પોતાની સરકાર ચલાવી હોય તેવું બન્યું નથી.
રાજકીય નાટકો કરવામાં નિષ્ણાત કેજરીવાલ કદાચ આ પ્રકારનું નવું નાટક કરવાની કોશિશ કરી રહ્યા છે. જો તેઓ તિહાર જેલમાં જશે તો તેમની કેબિનેટની બેઠકો પણ તિહાર જેલમાં જ મળશે, કારણ કે તેમની કેબિનેટના બે વિશ્વાસુ સાથીદારો મનીશ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પણ તિહાર જેલમાં જ છે. આમ આદમી પાર્ટીના નેતાઓના કહેવા મુજબ દિલ્હીના પ્રધાનો અને અધિકારીઓ ફાઈલ ઉપર મુખ્ય પ્રધાનની સહી કરાવવા માટે તિહાર જેલમાં જશે. જો અરવિંદ કેજરીવાલ જેલમાં રહીને દિલ્હી સરકારનું સંચાલન કરશે તો તેઓ નવો ઇતિહાસ રચશે. જો કે, કેટલાક રાજકીય નિરીક્ષકો માને છે કે અરવિંદ કેજરીવાલ ભાજપની ‘બી’ ટીમના નેતા છે અને તેમની લોકપ્રિયતા વધારવા તેમને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી પહેલાં ‘ઇન્ડિયા’ ગઠબંધનને લઈને વિશ્વાસનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો વચ્ચે સતત ખેંચતાણ જોવા મળી રહી છે. સમાજવાદી પાર્ટી સાથેના કડવા સંબંધો બાદ કોંગ્રેસ હવે આમ આદમી પાર્ટી સાથે પણ સ્પર્ધામાં ઊતરી છે. પહેલાં જ્યાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા, તેના જવાબમાં હવે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે આમ આદમી પાર્ટીને ભાજપની બી-ટીમ ગણાવી છે.
અરવિંદ કેજરીવાલે તાજેતરમાં વર્ધામાં કહ્યું હતું કે ‘‘ભાજપ અને કોંગ્રેસ એક જ રીતે કામ કરે છે. પહેલાં દિલ્હીમાં બે પાર્ટીઓ હતી અને બંનેએ ગોઠવણ કરી હતી. બંને વચ્ચે સેટિંગ એવું હતું કે તમે પાંચ વર્ષ લૂંટો અને અમે પાંચ વર્ષ લૂંટીશું. જનતા બંનેથી નાખુશ અને વ્યથિત હતી.’’ કેજરીવાલના આરોપનો જવાબ આપતાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે કહ્યું હતું કે ‘‘હું અરવિંદ કેજરીવાલને પહેલાંથી ઓળખું છું. તેઓ સંપૂર્ણપણે ભાજપ સાથે જોડાયેલા હતા. જ્યારે તેઓ ૨૦૧૪માં ચૂંટણી લડવા બનારસ આવ્યા હતા ત્યારે તેઓ માત્ર સેટિંગ હેઠળ આવ્યા હતા. જ્યાં સુધી હું જાણું છું અને મારો અંગત અભિપ્રાય છે કે કેજરીવાલ ભારતીય જનતા પાર્ટીની બી-ટીમ તરીકે કામ કરી રહ્યા છે.’’
જો અરવિંદ કેજરીવાલનો રાજકીય ઇતિહાસ તપાસીએ તો તેઓ ભાજપના ઇશારે કોંગ્રેસને ખતમ કરવાનું કામ જ કરી રહ્યા છે. રાજકીય તખતે અરવિંદ કેજરીવાલનો ઉદય અન્ના હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દ્વારા થયો હતો, જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી. અન્ના હઝારેના આંદોલને યુપીએ સરકારને બદનામ કરી નાખી હતી. તેમના આંદોલનનું નેતૃત્વ પડદા પાછળ અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમના હાથમાં હતું.
અન્ના હઝારેના આંદોલનને ભાજપનો અને સંઘ પરિવારનો સબળ ટેકો હતો. દિલ્હીમાં અન્ના હઝારેના આંદોલનમાં ભીડ એકઠી કરવાની જવાબદારી સંઘ પરિવારને સોંપવામાં આવી હતી. ભ્રષ્ટાચારવિરોધી આંદોલન દ્વારા યુપીએ સરકારની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ તેનો લાભ ભાજપને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં મળ્યો હતો. ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવ્યો હતો. તેણે અરવિંદ કેજરીવાલને ઇનામના રૂપમાં દિલ્હીની ગાદી આપી દીધી હતી. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો વિજય થયા પછી ૨૦૧૫માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.
તેમાં ભાજપના વિજયની તમામ સંભાવના હોવા છતાં ભાજપે છેક છેલ્લી ઘડીએ પોતાના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે કિરણ બેદીને જાહેર કરીને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને જીતવાની તક આપી દીધી હતી. ગોવામાં ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી તે માટે કોંગ્રેસ આમ આદમી પાર્ટીની રાજનીતિને જવાબદાર ઠેરવી રહી છે. હિમાચલ અને કર્ણાટકમાં ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વિરોધમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા. આમ આદમી પાર્ટીના સર્વોચ્ચ નેતા અરવિંદ કેજરીવાલ સતત રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવાં રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. કદાચ અરવિંદ કેજરીવાલ ઇડીના સમન્સ છતાં હાજર ન રહ્યા તેનું કારણ એ પણ હોઈ શકે કે તેમણે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કેટલીક ચૂંટણી સભાઓ સંબોધવાની બાકી હતી.
આમ આદમી પાર્ટી ભાજપની ‘બી’ ટીમ છે, એ વાત ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સારી રીતે સાબિત થઈ ગઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને છક્કડ ખવરાવવા ભાજપે પાછલા બારણે સેટિંગ કરીને આમ આદમી પાર્ટીને મેદાનમાં ઊતારી હતી. આમ આદમી પાર્ટીએ દલિતો, મુસ્લિમો અને વનવાસીઓની બહુલતા ધરાવતા મતદાર ક્ષેત્રોમાં કોંગ્રેસના સેક્યુલર મતોને તોડવાનું કામ કર્યું હતું, જેના પરિણામે ભાજપને ફાયદો થઈ ગયો હતો અને તેને ઐતિહાસિક કહી શકાય તેવી ૧૫૬ બેઠકો મળી હતી.
ભાજપ હવે આમ આદમી પાર્ટી દ્વારા ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ૨૦૨૨નું ગુજરાત મોડેલ અપનાવવા માગે છે. વિપક્ષો દ્વારા ઊભા કરવામાં આવેલા ‘ઇન્ડિયા’ ગઠબંધનમાં અરવિંદ કેજરીવાલને ભાજપના પ્રતિનિધિ તરીકે દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ત્યાં નરેન્દ્ર મોદીનો નહીં પણ રાહુલ ગાંધીનો મુકાબલો કરવાના છે. રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધી રહી છે. તેનો પ્રતિકાર કરવા માટે અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા પણ વધારવી જરૂરી છે. તેનો શોર્ટ કટ તેમને જેલમાં મોકલી આપવાનો છે.
જો અરવિંદ કેજરીવાલ જેલમાં જશે તો તેમને ભારતભરમાં સહાનુભૂતિનો લાભ મળશે. કદાચ જેલમાં રહીને દિલ્હીની સરકાર ચલાવીને તેઓ સતત સમાચારોમાં ચમક્યા કરશે. મીડિયાને પણ તે પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે. આ કારણે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી વખતે તેમની લોકપ્રિયતા ટોચ ઉપર પહોંચી જાશે. પછી કદાચ કેજરીવાલને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવાની માગણી કરવામાં આવશે. આમ આદમી પાર્ટી કોંગ્રેસની પરંપરાગત બેઠકો માગશે. તેનો ઇનકાર કરવામાં આવશે તો તેઓ પોતાના ઉમેદવારો ઊભા કરશે. કેજરીવાલ અને રાહુલ વચ્ચે સ્પર્ધા થશે. સરવાળે ભાજપને તેનો ફાયદો થશે. અરવિંદ કેજરીવાલને જેલમાં મોકલવા પાછળ ભાજપની કોઈ ઊંડી ચાલ જોવા મળી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.