World

ઈરાને આપી ઈઝરાયેલ પર હુમલાની ધમકી, વળતા જવાબમાં અમેરિકાએ કરી આ મોટી જાહેરાત

નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને (Israel-Hamas War) હવે એક મહિનો પૂરો થવાનો છે. જો કે આ દરમિયાન બંને તરફથી હુમલા ચાલુ છે. ઇઝરાયેલમાં હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 1400થી વધુ લોકોના મોત (Death) થયા છે, જ્યારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ સેનાના વળતા હુમલામાં લગભગ 10 હજાર લોકોના જીવ ગયા છે. આ દરમિયાન લેબનોનના ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લા તરફથી ઈઝરાયેલ પર હુમલાનો ખતરો વધી રહ્યો છે. ઈરાને (Iran) ખુદ ઈઝરાયલને અનેક વખત ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. આ સ્થિતિને જોતા અમેરિકાએ જાહેરાત કરી છે કે તેણે પશ્ચિમ એશિયામાં તેની એક પરમાણુ સબમરીન લોન્ચ કરી છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે તેની ઓહાયો ક્લાસની સબમરીનમાંથી એક 5 નવેમ્બરના રોજ કમાન્ડના જવાબદારી વિસ્તારમાં આવી ચૂકી છે. સેન્ટ્રલ કમાન્ડે આ પોસ્ટમાં એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં સબમરીન ઇજિપ્તના કૈરો સ્થિત અલ-સલામ બ્રિજની નીચેથી પસાર થતી જોઈ શકાય છે. માર્ચ 2011 પછી આ પ્રથમ વખત છે જ્યારે ગાઇડેડ મિસાઇલ સબમરીન સંઘર્ષની સ્થિતિમાં મેદાનમાં ઉતરી છે. 2011 માં ગાઇડેડ મિસાઇલ સબમરીન યુએસએસ ફ્લોરિડાએ ઓપરેશન ઓડિસી ડોન દરમિયાન લિબિયામાં બહુવિધ લક્ષ્યો પર 100 થી વધુ ટોમાહૉક મિસાઇલો છોડી હતી.

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન શનિવારે જોર્ડનમાં આરબ વિદેશ મંત્રીઓને મળ્યા હતા. તેમનો પ્રયાસ ઇઝરાયેલના નાગરિકોને હમાસના કબજામાંથી મુક્ત કરાવવાનો છે. આ સાથે ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા રોકવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે જેથી કરીને નાગરિકોને જીવ ન ગુમાવવો પડે. અગાઉ યુએસ સ્ટેટ સેક્રેટરીએ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી જેમણે ભાર મૂક્યો હતો કે જ્યાં સુધી હમાસ દ્વારા રાખવામાં આવેલા તમામ બંધકોને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ અસ્થાયી યુદ્ધવિરામ થઈ શકે નહીં.

હમાસની સશસ્ત્ર વિંગનું કહેવું છે કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં 60થી વધુ બંધકો ગુમ થયા છે. ઇઝ અલ-દિન અલ-કાસમ બ્રિગેડ્સના પ્રવક્તા અબુ ઉબૈદાએ પણ હમાસના ટેલિગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે ઇઝરાયેલી સૈન્ય દળો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના પરિણામે, કાટમાળ હેઠળ 23 ઇઝરાયેલી બંધકોના મૃતદેહ ફસાયા હતા.

Most Popular

To Top