SURAT

આ યુનિવર્સિટીમાં અચાનક જ બીબીએ, બીસીએ અને એમએસડબ્લ્યુના કોર્ષ બંધ કરી દેવાયા

સુરત : બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અચાનક થી ત્રણ કોર્સ બંધ કરી દેવામાં આવાતા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. મળતી માહિતી મુજબ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વર્ષ 2023- 24 માટે BBA, BCA અને MSW નાં કોર્સ બંધ કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

એટલે જે પણ વિદ્યાર્થીઓ નવા એડમિશન માટે ફોર્મ ભરી રહ્યા છે તેમને આ ત્રણ કોર્સમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. યુનિવર્સિટી તરફથી પહેલેથી જ વિદ્યાર્થીઓને આ માહિતી આપી દેવામાં આવી હતી છતાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમને માહિતી ન મળતા તેમણે રેગ્યુલર યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો ન હતો અને આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તેની રાહ જોઇ રહ્યાં હતાં.

આવા વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે કારણે કે, રેગ્યુલર યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા બંધ થઇ ગઇ છે. હવે આ કોર્સ કરવા માટે વિદ્યાર્થીઓએ છ મહિના રાહ જોવી પડશે અને બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય ત્યારે તેમને ત્યાં એડમિશન મળી શકશે. આ ત્રણેય કોર્સ કેમ બંધ કરવામાં આવ્યા તેની માહિતી કોઇ અધિકારી પાસે નથી.

આ કોર્સ ક્યારે શરૂ થશે તેની કોઇ જ જાહેરાત નથી કરાઇ
બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને માસ્ટર ઓફ સોશિયલ વર્કર કોર્સને બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાંથી બંને બેચલર કોર્સમાં પ્રેક્ટિકલ કોર્સ હોવાના કારણે વિદ્યાર્થીઓને આ કોર્સ ડિસ્ટન્સ કોર્સ તરીકે ભણાવી શકાય તેમ નથી.

વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ વ્યવસ્થા મળે એટલે યુનિવર્સિટી તરફથી અલગ અલગ કોલેજોમાં કોમ્પ્યુટર અને લેબ ની વ્યવસ્થા કરાઈ હતી. પણ યુજીસીએ કોર્સ સામે વાંધો ઉઠાવતા તેને બંધ કરવાનો વારો આવ્યો છે. યુનિવર્સિટીના એક અધિકારીએ નામ નહીં લખવાની શરતે કહ્યું હતું કે યુજીસીનાના ઘણા નિયમોનું યુનિવર્સિટીમાં પાલન કરાયું નથી. તેથી આ કોર્સ બંધ કરવામાં આવ્યો છે જો કે, ભવિષ્યમાં તે ચાલુ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

પ્રવેશ લીધા છે તેમને ચિંતા કરવાની જરૂર નથી
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સુરત સેન્ટર ના કોર્ડીનેટર જીતેન્દ્રસિંહ પરમારે માહિતી આપતા કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં પ્રવેશ લઈ લીધો છે તેમને ચિંતા કરવાની જરૂર નથી, તેમને સારી રીતે ભણાવવામાં આવશે પણ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે, જ્યાં સુધી નવી કોઈ ગાઇડલાઇન બહાર નહીં પડે ત્યાં સુધી તેમણે રાહ જોવી પડશે.

Most Popular

To Top