Charchapatra

યુવાનોમાં થતા હાર્ટએટેકના હુમલા

આજકાલ (કોવિડ પછીના સમયમાં) યુવાનોમાં થતા હાર્ટએટેકના જીવલેણ હુમલા એ સમાજ માટે ચિંતાનો વિષય છે. હાર્ટએટેકનાં કારણોમાં જન્કફુડ, વ્યાયામનો અભાવ, સ્ટ્રેસ, દારુ, સ્મોકીંગ, વગેરે મુખ્ય કારણો છે. જન્ક ફુડ વધારે જવાબદાર ગણાય છે. હું એમ કહું છું કે પીઝા, પાસ્તા તો છેલ્લાં થોડાંક વર્ષોથી ખવાય છે. પેટીસ, વડા પાંઉ, રતાળુની પુરી, બટાકા વડા, ભેળ, ભજીયાં આ બધું પણ જન્ક ફુડ જ છે, જે આપણે બધાં જ વર્ષોથી ખાઇ રહ્યાં છીએ. પહેલાં તો યુવાનોમાં હાર્ટએટેકના હુમલા ભાગ્યે જ જોવા મળતા હતા. માત્ર 13 વર્ષની વયનો વૈભવ સોની હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો.

તેને ન હતો કોઇ સ્ટ્રેસ કે નહોતી સ્થૂળતા. ધો. 10માં ભણતો વિદ્યાર્થી રાત્રે સૂઇ ગયો અને સવારે ઊઠયો જ નહિ. 12મા ધોરણનો એક વિદ્યાર્થી પરીક્ષા આપતાં આપતાં જ હાર્ટએટેકથી મૃત્યુ પામ્યો. ગુજરાતમાં ગરબા રમતી વખતે 766 વ્યકિતઓને હૃદયની તકલીફ થઇ. શું પહેલાં યુવાનો ગરબા નહોતાં રમતાં? અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચ દરમ્યાન 600થી વધુ પ્રેક્ષકો ઢળી પડયાં. શું પહેલાં યુવાનો મેચ નહોતાં જોતાં? સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં મુકેશભાઇ ખીમજીભાઇ યોગ કરતાં કરતાં જ હાર્ટએટેકથી મૃત્યુ પામ્યા.

મારી જાણમાં કેટલાંક યુવાનો શુધ્ધ આહાર (હોમ મેઇડ ફુડ) અને નિયમિત કસરત તથા કોઇ જાતનું વ્યસન ન હોવા છતાં હાર્ટએટેકથી મૃત્યુ પામ્યા છે. વળી આવા હાર્ટ એટેક યુવતીઓ કરતાં યુવાનોમાં જ વધુ જોવા મળે છે. એવું શાથી? 2022માં હાર્ટએટેકથી થયેલાં કુલ 28449 મૃત્યુમાંથી 65 મૃત્યુ તો 14 વર્ષની નીચેનાં બાળકોમાં તથા 124 જેટલાં મૃત્યુ 14 થી 18 વર્ષની વયનાં ટીનએજર્સમાં થયાં હતાં.

એક તબીબ તરીકે વિચારું છું કે આ બધા હાર્ટએટેક પાછળ કોવિડ કે વેકિસન (અથવા બંને) જવાબદાર હશે. તેથી મારી યુવાનોને સલાહ છે કે તેઓ પણ રોજ એસ્પિરીન લેવાનું ચાલુ કરે- ખાસ કરીને વ્યાયામ કરતાં પહેલાં! રોજ 30 થી 40 મિનિટથી વધુ વ્યાયામ (વોકિંગ) ન કરે. પોતાની શારીરિક ક્ષમતા કરતાં વધુ પડતો વ્યાયામ નુકસાનકારક છે. અઠવાડિયામાં 180થી210 મિનિટ કસરત કરો.

તેનાથી વધુ વ્યાયામ કરવાથી કોઇ ફાયદો નથી. દરેક યુવાને કાર્ડીઓલોજીસ્ટ પાસે જઇને ઇકેજી, ઇકો, ટીએમટી કરાવી લેવું. જો આર્થિક રીતે તે ન પોષાતું હોય તો સિવિલ સ્મીમેરમાં જઇને પણ આટલું કરાવો. દારુ, તમાકુ, સીગરેટનું વ્યસન હોય તો તેનો ત્યાગ કરો. ચરબીવાળો તથા તળેલો ખોરાક લેવાનું બંધ કરો. નિયમિત રીતે યોગ પ્રાણાયામ ધ્યાન કરો. પછી તો હરીચ્છા! કોવિડ પછીના સમયમાં યુવાનોમાં થતા હાર્ટએટેકના હુમલા એ સાચે જ એક સંશોધનનો વિષય છે!
સુરત     – ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top