Sports

કટ્ટર દુશ્મન પાકિસ્તાન કેમ આજે ભારતની જીત માટે કરી રહ્યું છે પ્રાર્થના? જાણો..

નવી દિલ્હી: આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડકપ 2023 (ICCODIWORLDCUP2023) બીસીસીઆઈની (BCCI) યજમાનીમાં ભારતમાં (India) રમાઈ રહ્યો છે. લીગ તબક્કાની 6 માંથી 6 મેચ જીતી ભારતે સેમિફાઈનલમાં (SemiFinal) સ્થાન લગભગ નક્કી કરી લીધું છે, પરંતુ પાડોશી દેશ અને કટ્ટર હરીફ પાકિસ્તાની (Pakistan) ટીમની સ્થિતિ કફોડી છે.

પાકિસ્તાન 7માંથી 4 મેચ હાર્યું છે અને માત્ર 3 મેચ જ જીત્યું છે. પાકિસ્તાન ટેબલ પોઈન્ટ પર 6 પોઈન્ટ સાથે પાંચમા સ્થાન છે. જોકે, પાકિસ્તાનની સેમિફાઈનલમાં પ્રવેશની શક્યતાઓ પર હજુ પૂર્ણવિરામ લાગ્યું નથી. પાકિસ્તાન ”જો અને તો” ની સ્થિતિમાં છે. ત્યારે જો આજે ભારત શ્રીલંકા સામે જીતે તો પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ વધે છે, તેથી જ આજે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યું છે.

ODI વર્લ્ડ કપ 2023માં સેમિફાઇનલ માટેનો જંગ હવે ખૂબ જ રોમાંચક બની ગયો છે. દક્ષિણ આફ્રિકા અને ભારતીય ટીમ લગભગ 12-12 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. પરંતુ બાકીની 7 ટીમો વચ્ચે હજુ ત્રીજા અને ચોથા સ્થાનની ટીમો માટે જંગ ચાલુ છે.

જ્યારે બાંગ્લાદેશ પહેલાથી જ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. પરંતુ આ બધાની વચ્ચે પાકિસ્તાનની ટીમ પણ ધીમે ધીમે સેમિફાઈનલમાં પ્રવેશ માટેનો રસ્તો બનાવી રહી છે. જોકે તેની શક્યતાઓ ઘણી ઓછી છે. હવે તેની બાકીની મેચો જીતવાની સાથે તેણે ભારત અને અફઘાનિસ્તાન સહિત અન્ય ટીમોની જીત અને હાર પર નિર્ભર રહેવું પડશે.

આવી જ એક મહત્વપૂર્ણ મેચ આજે 2 નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2.00 વાગ્યાથી ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. જો ભારતીય ટીમ આ મેચ જીતી જશે તો સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિતપણે પાક્કું કરી લેશે. પરંતુ જો શ્રીલંકા આ મેચ હારી જશે તો તે સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.

આવી સ્થિતિમાં પાકિસ્તાન પણ ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યું છે. શ્રીલંકાના બહાર થવાની સાથે જ પાકિસ્તાન સેમિફાઇનલ તરફ વધુ એક પગલું ભરશે. આ પહેલા 1 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 190 રનથી હરાવીને પાકિસ્તાનને જબરદસ્ત મદદ કરી હતી. ન્યૂઝીલેન્ડની હારથી પાકિસ્તાનને પણ મોટો ફાયદો થયો છે.

પાકિસ્તાને તેની બાકીની મેચો પણ જીતવી પડશે
પાકિસ્તાની ચાહકો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન તેમની બાકીની મેચ હારી જાય. જો કે, આમાં સૌથી મહત્વની વાત એ છે કે પાકિસ્તાનને તેની બાકીની 2 મેચ પણ જીતવી પડશે. જો પાકિસ્તાન બેમાંથી એક મેચ પણ હારી જશે તો તે સેમીફાઈનલની રેસમાંથી પણ બહાર થઈ જશે.

ભારતીય ટીમે તેની બાકીની મેચો શ્રીલંકા (2 નવેમ્બર), દક્ષિણ આફ્રિકા (5 નવેમ્બર) અને નેધરલેન્ડ (12 નવેમ્બર) સામે રમવાની છે. જ્યારે પાકિસ્તાને તેની બાકીની બે મેચ ન્યૂઝીલેન્ડ (4 નવેમ્બર) અને ઈંગ્લેન્ડ (11 નવેમ્બર) સામે રમવાની છે. બાબર બ્રિગેડ માટે ન્યૂઝીલેન્ડને હરાવવું આસાન નહીં હોય.

Most Popular

To Top