SURAT

કારીગરો બહાર નીકળ્યા ને થોડી જ વારમાં કતારગામનું બે માળનું કારખાનું તૂટી પડ્યું, વીડિયો

સુરત: શહેરના કતારગામ નવી જીઆઈડીસીમાં (Katargam GIDC) એમ્બ્રોડરીનું (Embroidery) બે માળનું કારખાનું (Factory) અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડતા ભાગદોડ મચી ગઇ હતી. ગ્રાઉન્ડ સાથેનું બે માળનું મકાન તૂટ્યું તેની થોડી મિનિટો પહેલા કારખાનામાં કામ કરતા કારીગરોને ભૂકંપ જેવો અહેસાસ થતા તેઓ દોડીને બહાર નીકળી ગયા હતા. મકાન લગભગ 35-40 વર્ષ જૂનું હોવાનો અંદાજ છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાના એક કલાક બાદ ફાયર ને જાણ કરાતા ફાયરના જવાનો દોડી ગયા હતા.

કારખાનેદાર ગોવર્ધનભાઈએ જણાવ્યું હતું કે ઘટના લગભગ સવારે 7:45 ની હતી. હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. મકાનને જમીન પર બેસી ગયેલી હાલતમાં જોઈ પૂછતાં ખબર પડી હતી કે હાલમાં જ તૂટી પડ્યું છે. એટલે તાત્કાલિક જવાબદારીના ભાગરૂપે ફાયરમાં જાણ કરી હતી. ઘટનાની જાણ થયા બાદ ગણતરીના સમયમાં ફાયરની અનેક ગાડીઓ પહોંચી ગઈ હતી.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થયા બાદ કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનથી ગાડીઓ મોકલવામાં આવી હતી. જોકે સ્થળ પર કોઈ અનહોની ન હોવાથી કતારગામની ટીમ પરત આવી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં ગ્રાઉન્ડ સાથેના બે માળના મકાનમાં એમ્બ્રોડરીના મશીન ચાલતા હતા. સવારે કારીગરોને ભૂકંપ જેવો અહેસાસ થતા તમામ કારીગરો દોડીને બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ હતી.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મકાન લગભગ 40 વર્ષ જૂનું છે. મકાન નો એક ભાગ તૂટી પડ્યા બાદ કારીગરોને ભૂકંપ આવ્યો હોવાનું મહેસુસ થતા તેઓ બહાર દોડી ગયા હતા. ત્યારબાદ ગણતરીના સમયમાં આખું મકાન જમીન પર પત્તા ના મહેલની જેમ બેસી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાય ન હતી.

હિતેશ ઠાકોર (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે મકાન જર્જરિત હતું. લગભગ 25થી 35 વર્ષ જૂનું હતું. આજે સવારની ઘટના છે. જોકે મકાન ધરાશયી થયા બાદ પણ કોઈ જાનહાનિ નોંધાય નથી. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. મકાનના માલિક આવી ગયા છે. આજુબાજુની મિલકતને કોઈ નુકશાન થયું નથી. તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top