ગત માસે સંસદનું વિશેષ 5 દિવસનું સત્ર અચાનક બોલાવાયું હતું. તેનો અગાઉ કોઇ એજન્ડા જાહેર કરાયો ન હતો. અલબત્ત, અનેક અનુમાનો વચ્ચે મહિલા અનામત ખરડો રજુ કરાયો અને સંસદે તે પસાર પણ કર્યો. પરંતુ આ કાયદાના અમલીકરણના સમય બાબતે ઘણી દ્વિધા પ્રવર્તે છે. તેથી આ ખરડો પસાર કરવા માટે કોઇ ઉતાવળ ન હોવાથી માત્ર તે માટે વિશેષ સત્ર બોલાવવાની જરૂર ગણાય નહીં.
તે સિવાય અન્ય કોઇ કામકાજ આ સત્રમાં હાથ ધરાયું ન હતું. તો પછી પ્રશ્ન એ છે કે શા માટે સંસદનું વિશેષ સત્ર યોજાયું હશે? ખરેખર પ્રજાને તેની જાણકારી થવી જોઇએ. ગત વર્ષે જેમ રૂપાણી સરકારને ઘરભેગી કરવામાં આવી તેવું જ આ વિશેષ બાબતમાં થયું છે. આ સત્રમાં એક સંસદ સભ્યે સંસદના એક મુસ્લીમ સભ્ય તરફ ગાળાગાળી કરી અને સંસદમાં જ અણછાજતું વર્તન કરી બતાવ્યું પરંતુ આવી ગાળાગાળી માટે કોઇ વિશેષ સત્ર ન જ બોલાવાયું હોય તે સ્વાભાવિક છે. આ મુદ્દો હવે વિશેષાધિકાર સમિતિને સોંપાયો છે.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
હાલનો સળગતો પ્રશ્ન હૃદયરોગ
દિવસમાં હમણા જ્યારે ટીવી સામે બેસીને સમાચારની ચેનલ જોઇએ ત્યારે તેમાં હૃદયરોગથી થનારા મૃત્યુ વિશે જાણવા મળે છે. અત્યારનો આ એક સળગતો પ્રશ્ન કહી શકાય. સવારે વર્તમાન પત્ર ખોલીને વાંચો ત્યાં જ હૃદયરોગના હુમલાથી થનાર 24 કલાકમાં 3 મોત વાંચવા મળે છે આ તો થઇ એક શહેરની વાત. રાજ્યદીઠ તો ઘણા કેસો બનતા રહે છે. અરે નાના નાના સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ આમાંથી બાકાત નથી. ખરેખર આ ધ્યાન પર લેવા જેવો તબીબી મુદ્દો છે. આને માટે કદાચ આજની લાઇફ લાઇન, જંકફૂડનો વધારે પ્રમાણમાં ક્ષમતા ઉપરા૦ત કસરત કરવી એ પણ કારણ બની શકે.
કોરોનાકાળ વીત્યાને બે વરસ બાદ આપણને આ હૃદયરોગની ભેટ મળી છે એમ કહી શકાય. આ મુદ્દા પર ધ્યાન આપવું જ રહ્યું કદાચ. આ મુદ્દા પર તબીબી નિષ્ણાતોએ જરૂરી રિસર્ચ કરવા જોઇએ અને નિરાકરણ લાવવુ જોઇએ. સમયથી આપણે જોતા આવ્યા છીએ કે વધારે પડતો હાઇસ્પીડ ઇન્ટરનેટ અને વધતો જતો વાઇફાઇનો ઉપયોગ યુવાવર્ગમાં જોવા મળે ોછે. આને લીધે હાર્ટબીટ વધે છે અને તેની અસર બ્લડપ્રેસર ઉપર પણ થાય છે જે પણ કારણ હોય પણ આ વિશે યોગ્ય ઉકેલ લાવવો અનિવાર્ય થઇ પડ્યો છે. આમને આમ જ ચાલ્યા કરશે તો આપણે યુવાધન ગુમાવી દઇશું. અને માટે જવાબદાર કોણ? હવે તો વારંવાર મનમાં વિચાર ઉડે છે કે દિલમાં દુશ્મન કોણ? હૃદય પર કોણ કરી શક્યું છે હુમલો? એટેકની પાછળ કોણ?
અડાજણ, સુરત – શીલા એસ. ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.