એક સમય હતો જ્યારે સરકાર લોકોને સામેથી નોકરી પર હાજર થવા માટે પરબીડિયું મોકલતી. ઘણી વાર તો એક જ વ્યક્તિને એક કરતાં વધારે સરકારી ખાતામાં નોકરી લાગી જતી.એ સમય એ કર્મચારી સાવ ઓછી પગાર અને સાવ ઓછી સગવડ કે સંસાધનમાં પણ સારી એવી ઈમાનદારીથી નોકરી કરી લેતાં એટલું જ નહીં પરંતુ પોતાનાં બાળકોને સરકારી શાળામાં અભ્યાસ, સરકારી દવાખાને દવા અને સરકારી બસોમાં પ્રવાસ કરાવતાં.કેમ કે ત્યારે પ્રાઇવેટ સેકટર હજી એટલા વિકસ્યા ન હતા. પરંતુ આજે સરકારી નોકરીનું આખું ચિત્ર જ બદલાઈ ગયું છે.
માણસને આજે સરકારી નોકરીનું જબરું વળગણ લાગ્યું છે.જે પહેલાં કહેતા હતા કે નોકરી કરતા બિઝનેસ સારો એ લોકો પણ સરકારી નોકરી એ પણ કાયમી, ઊંચા પગાર અને ઊંચા પદવાળી,પોતાના જ જિલ્લા, ગામ કે શહેર અને પોતાના જ વિસ્તારમાં મળી જાય એવી સરકારી નોકરી.સમય સમય પર મોંઘવારી ભથ્થું અને બીજા બધા લાભ સાથેની નોકરી,નોકરી પછી પાછું જૂનું પેન્શન મળે તેવી નોકરી.મતલબ ગજબની માનસિકતા તમામ બાબત મારા જ પક્ષની થવી જોઈએ અને આટલું કરવા પછી પણ કેટલાં લોકો જે સરકારી નોકરી કરે છે એ સમયસર, ઈમાનદારી અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવતા હશે?
હક માટે જબરું જ્ઞાન છે પણ ફરજોનું શું? ૩૦ ટકા પગારવધારો હાલમાં સરકારે કર્યો તો સરકારે સામે ઓછામાં ઓછું ૧૫ ટકા કામની ગુણવત્તા વધે એમાં ધ્યાન આપવું જોઈએ.બાકી કર્મચારી પાસે યોગ્ય રીતે કામ લેવામાં પ્રાઇવેટ સેકટર જ ઘણું આગળ છે. અહીં સરકારની તરફદારી કે સરકારી કર્મચારીઓનો વિરોધ નથી. વાત સત્ય છે.જે લોકો પગારવધારો કરવા આંદોલન કરે છે એ જ લોકો કોઈક વાર ગુણવત્તા સુધારવાની વાતમાં પણ આગળ આવે.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પોલીસ ભરતીમાં પાંચ કિ.મી.ની દોડ બંધ કરો
દરેક ઉમેદવારની શારીરિક ક્ષમતા એક સરખી હોતી નથી. ગુજરાતના દરેક નગરોમાં પ્રેકટીસ કરવા ગ્રાઉન્ડ હોતા નથી જેથી પચાસ ટકા ઉમેદવારને અન્યાય થાય છે. આવી દોડની પરીક્ષાને કારણે ગુના ઉકેલવાની કુનેહ ધરાવતા હોંશિયાર ઉમેદવારો ગુજરાત પોલીસને મળશે નહીં જેની સરકારે ગંભીરતાપૂર્વક વિચારણા કરવી જોઇએ.
સોનગઢ – ઇમ્તિયાઝ શેખ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.