વાપી, ઉમરગામ: (Vapi) વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અન્વયે એલસીબી (LCB) વલસાડના પીઆઈ વી.બી.બારડના માર્ગદર્શન મુજબ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભિલાડ હાઈવે ઉમરગામ ફાટકથી દારૂનો (Alcohol) જથ્થો ભરેલી ટ્રક પસાર થવાની હોય વોચ રાખી હતી. વર્ણનવાળી ટ્રક આવી પહોંચતા પોલીસે તે ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ-બીયરનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.
જેની અંદાજીત કિંમત 21,99,600 આંકવામાં આવી હતી. પોલીસે ટ્રક ચાલક કિશનારામ વાલારામ જાટ (ઉં.28, રહે. રાજસ્થાન)ની વધુ તપાસ કરતા આ દારૂ જથ્થો ભરેલી ટ્રક સુરેશ બિશ્નોઈ (રહે. રાજસ્થાન)એ આપી હતી અને જથ્થો ગેનારામ ગજારામ (રહે. ગાંધીધામ-કચ્છા, મૂળ રાજસ્થાન)એ જથ્થો ભરવા આપી હતી. પોલીસે ટ્રકની કિંમત 10 લાખ, દારૂ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.32,04,600નો મુદ્દામાલ કબજે કરી ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત એલસીબી ટીમે વાપીના નામધા-ચંડોર માર્ગ પરથી પસાર થઈ રહેલા ટેમ્પોને અટકાવી તપાસ કરતા પ્લાસ્ટિક ગ્રાઈન્ડીંગ માલની ગુણીઓની આડમાં લઇ જવાતો દારૂનો 8,70,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પાચાલક અને કલીનરનું નામઠામ પુછતા ઉસ્માન ગની અબ્દુલ્લા રાયમા અને દિપ મણીલાલ રાઠોડ (ઉં.28, રહે. નામધા-ચંડોર) હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસ કરતા આ જથ્થો રાહુલ પટેલ (રહે. ચણોદ-વાપી)એ ભરી આપ્યો હતો. પોલીસે 16,32,830નો મુદ્દામાલ કબજે કરી વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.