ધરમપુર: (Dharampur) ધરમપુર તાલુકાના જંગલ (Jungle) વિસ્તારમાં વન્ય પક્ષી ઘુવડની (Owl) તસ્કરી (Smuggling) કરી તેના વેચાણ કરતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આવધામાં એક ટવેરા ગાડીમાંથી બે ઘુવડ સાથે મહારાષ્ટ્રના શખ્સને વનવિભાગની ટીમે ઝડપી પાડી ધરમપુર કાર્ટમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
- ધરમપુરના આવધામાંથી ઘુવડની તસ્કરીનું રેકેટ ઝડપાયું
- ઉત્તર વન વિભાગના મહિલા અધિકારીની ટીમે બે ઘુવડ સાથે મહારાષ્ટ્રના શખ્સને ઝડપી પાડ્યો
- સુરગાણાના ગણેશ મહાલાને ધરમપુર કોર્ટમાં રજૂ કરાતા ચાર દિવસના રિમાન્ડ મેળવાયા
વલસાડ ઉત્તર નાયબ વન સંરક્ષક નિશા રાજને મળેલી ખાનગી બાતમીના આધારે ધરમપુર રેંજ ફોરેસ્ટ ઓફિસર અને વાઈલ્ડ લાઈફ વોર્ડન એચ.ડી.પટેલ, ધરમપુર, વાસંદા રેંજ ફોરેસ્ટ ઓફિસર પૂર્વ, જે. ડી.રાઠોડ, વાસંદા રેંજ ફોરેસ્ટ ઓફિસર પશ્ચિમ સી.આર.પટેલ, હનમતમાળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પી.આઈ. પટેલ, પંગારબારી રેંજ ફોરેસ્ટ ઓફિસર એચ.એસ.પટેલ, વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યુરો મુંબઈના અધિકારી તથા વડોદરાની ટીમ તેમજ રેંજનાં વનકર્મીઓ સાથે મળીને જુદી જુદી ટીમ બનાવી વન્ય પક્ષી ઘુવડની તસ્કરી કરી વેચાણ કરવાના હોવાની બાતમીના આધારે હનમતમાળ રોડ ઉપર વોચ ગોઠવી હતી. પરંતુ ત્યાં ઘુવડની તસ્કરી કરવાવાળા શખ્સો આવ્યા ન હતા. ઘુવડની તસ્કરી સાથે સંકળાયેલા શખ્સો વારંવાર સ્થળ બદલતા હતા. ત્યારબાદ બાતમી મળી હતી કે આવધાથી હનમતમાળ રોડ ઉપર આ શખ્સો આવવાના છે.
વન વિભાગે આ રોડ ઉપર નાકાબંધી કરી એક મોટર સાઈકલ નં. GJ 15 AF 8763, તથા વન્ય પક્ષી ઘુવડની તસ્કરી કરનાર શખ્સો સાથે એક ટવેરા ગાડી નં. GJ 21 AH 5840 આવતા તેની તપાસમાં ગાડીમાંથી પાછળના ભાગે કેરેટમાં બંધ હાલતમાં ઘુવડ પક્ષી (EAGLE OWL) નંગ – ૦૨ મળી આવ્યા હતા. વન વિભાગની ટીમે આરોપી ગણેશભાઈ મોહનભાઈ માહલા (રહે. સુરગાણા તા. સુરગાણા જી. નાસિક)ની અટક કરીને તપાસ હાથ ધરી હતી. ઉપરાંત ટવેરા ગાડી તેમજ મોટરસાઈકલ ઉપર આવેલા આરોપીઓ ભાગી છૂટ્યા હતા. વન વિભાગે ઝડપાઈ ગયેલા આરોપી ગણેશભાઈ માહલા સામે ગુનો નોંધી આરોપીને ધરમપુર કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૩૦/૧૦/૨૦૨૩ સુધીના 4 દિવસના ર્ંમાન્ડ મંજુર કર્યા હતા. આ ગુનામાં ફરાર આરોપીઓને પકડવા, પકડાયેલા આરોપીએ ભૂતકાળમાં આવા કોઈ ગુના કરેલા છે કે કેમ ? ગુનામાં વપરાયેલા સાધનો અને સદર ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીની તપાસ વલસાડ ઉત્તરના નાયબ વન સંરક્ષક નિશા રાજના માર્ગદશન હેઠળ ધરમપુર રેંજ ફોરેસ્ટ ઓફિસર એચ. ડી. પટેલ વધુ તપાસ કરી રહ્યા છે.
ઘુવડનો સોદો કરનાર ચીખલીના સોલધરાનો વચેટિયો ફરાર
ઘેજ : ચીખલી તાલુકાના સોલધરા ગામના એક વ્યક્તિ દ્વારા ઘુવડનો સોદો કરાયો હોવાનું તપાસમાં બહાર આવતા વનવિભાગની ધરમપુર રેંજના સ્ટાફે છાપો મારતા આ વચેટિયો ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ધરમપુર રેંજના સ્ટાફને બે ઘુવડના વેપારનું કનેક્શન ખેરગામના તોરણવેરા ગામના એક વ્યક્તિ સાથે બહાર આવતા તેની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સોલધરાના હળપતિવાસના સંજય નામના વ્યક્તિ સાથે ઘુવડનો સોદો કોઇ અન્ય સાથે કરવાનો હોવાનું બહાર આવતા ધરમપુર રેંજનો કાફલો સોલધરા ધસી આવ્યો હતો. પરંતુ સોલધરા ગામનો વચેટિયો ફરાર થઇ ગયો હતો. સોલધરાનો વચેટિયો સાપને રેસ્કયુ કરવાની કામગીરી સાથે સંકળાયેલો અને બે ઘુવડનો લાખો રૂપિયામાં સોદો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જો કે આ વ્યક્તિની ઘુવડના વેપલામાં કંઇ ભૂમિકા હતી કે નહી અને હતી તો શું હતી તે સમગ્ર હકીકત વનવિભાગની તપાસ બાદ જ બહાર આવશે.
ઘુવડની તસ્કરી કરનાર ફરાર થયેલા આરોપી
- બાળુ ગંગારામ રાઉત (રહે.કરંજાલી, તા.સુરગાણા, જી.નાસિક)
- કલ્પેશ શિવલુ ચારણ (રહે.તોરણવેરા, તા. ખેરગામ, જી.નવસારી)
- નરેશ લાહનુ ખાનિયા (રહે.સિદુંબર, તા.ધરમપુર, જી.વલસાડ)
- સતિશ જાનિયા કાકરીયા (રહે.સિદુંબર, તા.ધરમપુર, જી.વલસાડ)
- સંજય ઉર્ફે રમેશ જિવલા કુણબી (રહે.સોલધરા, તા.ચીખલી, જી.નવસારી)