ઇઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel Hamas War) વચ્ચે 27 ઓક્ટોબરે તાત્કાલિક (Ceasefire) યુદ્ધવિરામ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (UN) ઠરાવ લાવવામાં આવ્યો હતો અને તેના પર મતદાન કરવામાં આવ્યું હતું. જોકે ભારત મતદાનથી દૂર રહ્યું હતું. જેને લઈને વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે અને સરકારની વિદેશ નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલ પેલેસ્ટાઈન મુદ્દે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. ઠરાવમાં ભારતે હમાસના આતંકવાદની સ્પષ્ટ નિંદા કરી હતી.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના હિંસક સંઘર્ષ વચ્ચે વિદેશ મંત્રાલયના સૂત્રોએ સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવેલા પ્રસ્તાવની જાણકારી આપી છે. હમાસના ઈઝરાયેલ સાથેના સંઘર્ષ વચ્ચે પેલેસ્ટાઈનનો મુદ્દો પણ ઘણો મહત્વનો છે. પેલેસ્ટાઈનને અલગ દેશ તરીકે માન્યતા આપવાની માંગ ઘણા સમયથી થઈ રહી છે. દરમિયાન 27 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રજૂ કરાયેલા ઠરાવ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતનો મત આ મુદ્દા પર દેશની મજબૂત અને સુસંગત સ્થિતિ દર્શાવે છે.
હમાસની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરવી જરૂરી છે
સૂત્રોએ જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના મુદ્દા પર ભારતના મતની સ્પષ્ટતા વ્યાપક અને સર્વગ્રાહી છે. ભારતે કહ્યું છે કે આતંકવાદના મુદ્દા પર કોઈ અસ્પષ્ટ વાતચીત થઈ શકે નહીં. ઠરાવમાં ભારતે હમાસના આતંકવાદની સ્પષ્ટ નિંદા કરી હતી. 7 ઓક્ટોબરે શરૂ થયેલા હિંસક સંઘર્ષ બાદ ગાઝામાં પેલેસ્ટિનિયન લોકોને મદદ કરવાના મુદ્દે સૂત્રએ જણાવ્યું હતું કે ભારત તનાવ ઘટાડવા અને ગાઝાના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોનું સ્વાગત કરે છે. આ પ્રયાસમાં ભારતે પણ સહયોગ આપ્યો છે.
બીજી તરફ યુએનમાં ગાઝા યુદ્ધવિરામ પ્રસ્તાવથી ભારત દૂર રહ્યું હતું. તેણે આ બાબતના વોટિંગમાં ભાગ લીધો ન હતો. જેને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે શનિવારે કહ્યું કે પેલેસ્ટાઈન મુદ્દે ભારત સરકારમાં મૂંઝવણ છે. અગાઉની સરકારોમાં આવી મૂંઝવણ ક્યારેય જોવા મળી ન હતી અને ભારતની નીતિ હંમેશા પેલેસ્ટાઈનને સમર્થન આપવાની રહી છે ઈઝરાયેલને નહીં. શરદ પવારે પેલેસ્ટાઈન મુદ્દે ભારતની નીતિમાં બદલાવની ટીકા કરતા કહ્યું કે ત્યાં હજારો લોકો મરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતે ક્યારેય ઈઝરાયેલને સમર્થન આપ્યું નથી.
અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર નિશાન સાધ્યું
આ સાથે જ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ આશ્ચર્યજનક છે કે મોદી સરકાર યુદ્ધવિરામ અને નાગરિક જીવનની સુરક્ષા માટે યુએનના ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહી. ઓવૈસીએ X પર લખ્યું કે ઇઝરાયલે ગાઝામાં 7028 લોકોની હત્યા કરી છે. તેમાંથી 3000 થી વધુ બાળકો અને 1700 મહિલાઓ છે. ગાઝામાં ઓછામાં ઓછા 45 ટકા ઘરો નાશ પામ્યા છે. 14 લાખથી વધુ લોકોએ પોતાના ઘર છોડી દીધા છે. શાંતિકાળમાં પણ ગાઝાના લોકો સંપૂર્ણ નાકાબંધી હેઠળ છે અને માનવતાવાદી સહાય પર નિર્ભર છે. તેમણે વધુમાં કહ્યું કે આ કોઈ રાજકીય મુદ્દો નથી પરંતુ માનવતાવાદી મુદ્દો છે. ભારત લોકોના જીવન સાથે સંકળાયેલા મુદ્દાઓ પર મતદાન કરવાથી શા માટે દૂર રહ્યું? ગાઝામાં સહાય મોકલ્યા પછી શા માટે આવું? વિશ્વ ગુરુ એક વિશ્વ એક પરિવારનું શું થયું?
પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને આડે હાથ લીધી
આ સિવાય કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે આ શરમજનક છે કે ભારત સરકારે ગાઝા યુદ્ધવિરામ પ્રસ્તાવ પર મતદાન કર્યું નથી. તેમણે કહ્યું કે આપણા દેશની સ્થાપના અહિંસા અને સત્યના સિદ્ધાંતો પર થઈ હતી.
ગિરિરાજ સિંહનો પ્રિયંકાને જવાબ
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ પ્રિયંકા ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે ભારત પેલેસ્ટાઈન સાથે ઉભું છે પરંતુ પ્રિયંકા ગાંધી વોટ માટે આતંકવાદી હમાસ સાથે ઉભા છે. તેમણે કહ્યું કે હમાસ જેવા આતંકવાદી સંગઠનોનો પક્ષ માત્ર કોંગ્રેસ જ લઈ શકે છે.