નડિયાદ: નડિયાદ ગ્રામ્ય પોલીસના હદ વિસ્તારમાં દશેરાની રાત્રે બનેલી દુષ્કર્મની ઘટનામાં હવે તપાસ ઈન્વેસ્ટીગેશન યુનિટ ફોર ક્રાઈમ અગેઈન્સ વુમન (I.U.C.A.W.)ના પી.આઈ. વી.કે. ખાંટને સોંપવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રીમાન્ડ માંગ્યા હતા, જ્યાં કોર્ટે આરોપીના 3 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર પ્રકરણે મળતી વિગતો મુજબ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે સલુણની એક પરણિતા પર બિલોદરાના માથાભારે અને રાજકીય વગ ધરાવતા ઈસમ સોમા સોઢાએ પરણિતાની એકલતાનો અને તેના બાળકને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કર્યાનો ગુનો નોંધાયો હતો. આ પ્રકરણે હવે ઈન્વેસ્ટીગેશન યુનિટ ફોર ક્રાઈમ અગેઈન્સ વુમનની ટીમને તપાસ સોંપી દેવાઈ છે.
આ તપાસ હવે I.U.C.A.W.ના પી.આઈ. વી.કે. ખાંટ કરી રહ્યા છે. તેમની સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. તેના રીમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જ્યાં પોલીસે તપાસ માટે 3 દિવસના રીમાન્ડ માંગ્યા છે. જ્યારે કોર્ટ સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ નામદાર કોર્ટે આરોપીના 3 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. આ સાથે જ પોલીસે ગુનાના કામમાં વપરાયેલી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલવાળી કાર પર કબ્જે લીધી છે. આ કાર પર એમ.બી. રાજપૂત લખેલુ છે.
જે કાર આરોપી સોમા સોઢાના નાનાભાઈ અને ધારાસભ્ય સંજય મહીડાના અંગત ગણાતા મહેશ સોઢાની છે. ત્યારે સમગ્ર મામલે હવે પોલીસે આરોપીના રીમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રીમાન્ડ દરમિયાન પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરશે અને સત્ય બહાર લાવવા પ્રયાસ કરશે. મળતી વિગતો મુજબ આરોપી સોમા સોઢાના નાના ભાઈએ ગુનો બન્યાના ત્રણેક દિવસ પહેલા જ કાર છોડાવી હતી. આ કારમાં બ્લેક ફેમ નાખેલી છે તેમજ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ મારવામાં આવ્યો છે. ઉપરાંત આરોપીના નાના ભાઈ મહેશના નામે હોય, એમ.બી. રાજપૂત પણ કાર પર લખાયેલુ છે. આ કાર લીધાના 3 દિવસમાં મોટાભાઈ સોમા સોઢાએ તેને દુષ્કર્મના ગુનામાં ઉપયોગ કરતા પોલીસે હાલ કબ્જે લીધી છે.
સીસીટીવી ફૂટેજ, સાંયોગિક પુરાવા ધ્યાને લેવાશે
નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે દુષ્કર્મની ફરીયાદ નોંધાઈ હતી. આરોપી અગાઉ બિલોદરામાં એક કેસમાં સજા પામેલો આરોપી છે. જેની સજા વિરુદ્ધમાં અપીલ હાલ પેન્ડીંગમાં છે. ગુના દરમિયાન રસ્તામાં આવતા તમામ સીસીટીવી ફૂટેજ, સાંયોગિક પુરાવા અને મેડીકલ તપાસના કાગળો સહિતની પાસા ધ્યાને લેવામાં આવશે. બાળકની ઉંમર ખૂબ નાની છે, તેને પાછળની સીટમાં બેસાડી દઈ આ દુષ્કર્મને આરોપીએ અંજામ આપ્યો છે, જેની સ્પેશિયલ ટીમ દ્વારા તપાસ ચાલી રહી છેઃ વી.આર. બાજપાઈ, ડીવાયએસપી, નડિયાદ
પેનલ મેડીકલ ચેકઅપની માગ ઉઠી
આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા મેડીકલ ચેકઅપ દરમિયાન પીડિતા સાથે દુરવ્યવહાર કર્યો હોવાના આક્ષેપ થયા હતા. ત્યારે સમગ્ર મામલે પીડિતાના પક્ષે તાત્કાલિક આ સમગ્ર મામલે ન્યાયિક કાર્યવાહી અન્વયે પીડિતાનું પુનઃ પેનલ મેડીકલ ચેકઅપ થાય તેવી માગ કરવામાં આવી છે.
મૌન રેલી કાઢી કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત
સલુણની પરણિતા પર બિલોદરાના માથાભારે અને રાજકીય વગ ધરાવતા ઈસમ દ્વારા દુષ્કર્મ કરવામાં આવતા તળપદા સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. આજે ખેડા અને આણંદ એમ બંને જિલ્લાના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં બપોરે 1 કલાકે સીટી જીમખાના મેદાન ખાતે એકત્ર થયા હતા. જ્યાં તમામ લોકોએ મૌન રેલી કાઢી અને પહેલા જિલ્લા પોલીસ વડા અને ત્યારબાદ સરદાર ભવનથી ચાલતા મૌન રેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. આ દરમિયાન તળપદા સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પેટલાદના રમીલાબેન તળપદાએ સમગ્ર મામલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, આ મામલો અત્યંત સંવેદનશીલ છે. તેમજ ખૂબ દુઃખદ ઘટના બની છે. દુષ્કર્મ પીડિતાને ન્યાય મળે તે માટે આજે અમે અહીંયા એકત્ર થયા છે અને મૌન રેલી કાઢી અમે અમારી રજૂઆત કરી છે. જિલ્લા તંત્રને એક જ રજૂઆત છે કે, પીડિતાને ન્યાય મળે તે રીતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે.