સુરત: સુરતમાં (Surat) પરાણી ભરેલા ટેમ્પોમાં (Tempo) આગ (Fire) લાગવાના બનાવો અવાર નવાર સામે આવતા રહે છે. ત્યારે આવો જ એક બનાવ સુરતના ઓલપાડ (Olpad) માંથી સામે આવ્યો છે. જ્યાં એક પરાણી ભરેલા ટેમ્પોમાં આગ (Fire) લાગી જતાં અફરતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લગતાની સાથે જ તેને ઠારવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ આગ વિકરાળ બનતા ટેમ્પોને પાસેના એક તળાવમાં (Lake) ઉતારી આગને શાંત કરવામાં આવી હતી.
મળેલ માહિતી અનુસાર સુરત ઓલપાડના પિંજરત ગામ નજીક ફરી એકવાર પરાણી ભરેલ ટેમ્પોમાં આગ લાગી હતી. પરિણામે ભાગદોડ થઈ ગઈ હતી. ડાંગરની પરાણી ભરેલા ટેમ્પોમાં આગ લાગવા પાછળ DGVCLનો વાયર અડી ગયા બાદ શોર્ટ સર્કિટને થયું હોવાનું સામે આવ્યું હતું. જોકે આ દુર્ઘટનામાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકોએ ગામના તળાવમાં ટેમ્પો ઉતારી આગ પર કાબુ મેળવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે ગત રોજ પણ સીથાણા ગામે ટેમ્પોમાં આગ લાગી હતી. આજે બનેલી ઘટના બાદ સાવચેતીના પગલાં જરૂરી બની ગયા હોવાનું કહી શકાય છે. DGVCLનો વાયર ટેમ્પોને અડી જતો હોય તો આગામી દિવસોમાં મોટી દુર્ઘટના થવાની સંભાવના દેખાઇ રહી હોવાની ચર્ચા થઈ રહી છે. માટે આ વાયરોને ઊંચા કરવાની જરૂર જણાય છે.