સુરત(Surat) : શહેરના અઠવા લાઈન્સ (AthwaLines) રોડ પર આજે બુધવારે સવારે વિચિત્ર ઘટના બની હતી. સવારે નોકરી-ધંધા માટે જતા લોકો પોતાના વાહન સાથે રસ્તા પર ધડાધડ પડ્યા હતા. વરસાદ વિના જ વાહનો રસ્તા પર લપસવા માંડ્યા હતા.
ખરેખર બન્યું એવું હતું કે, અહીં રસ્તા પર કોઈક વાહનમાંથી ઓઈલ (Oil) ઢોળાયું હતું, જેના લીધે રોડ પરથી પસાર થતા ટુ વ્હીલર્સ લપસી રહ્યાં હતાં અને વાહન ચાલકો સંતુલન ગુમાવીને રસ્તા પર પડતા હતા. ઘણા વાહનોને નુકસાન થયું હતું અને કેટલાંય વાહન ચાલકોના કપડાં બગડી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ દોડી ગયું હતું અને માટી નાંખી રસ્તા પરથી ઓઈલ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અઠવાલાઇન્સ ચાર રસ્તા પાસે રસ્તા પર ઓઇલ ઢોળાયું હતું. ઓઇલ ઢોળાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અડધો રસ્તો મેટ્રોની કામગીરીમાં બ્લોક કરાયો હતો અને બીજા અડધા રસ્તા પર ઓઇલ ઢોળાયું હતું તેના લીધે તે રસ્તો પણ બ્લોક થયો હતો. ઓઈલ ઢોળાવાના લીધે રસ્તા પર 8થી 10 વાહનો સ્લીપ થઈ ગઈ હતી.
રસ્તા પર ઓઇલ ઢોળાવવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતાં. ઓઈલ ઢોળાવાને લઈને ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું. જેમણે રસ્તા પર માટી નાખીને ઓઈલ સાફ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઓઈલ ઢોળાતા રસ્તા પર વાહનોને નીકળવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. જેથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. ટ્રાફિકને હળવો કરવા માટે પોલીસ દોડી આવી હતી. જેમણે રસ્તા પરથી ટ્રાફિક હળવો કર્યો હતો. બાદમાં ઓઈલનો પ્રશ્ન હલ થતાં ફરીથી રસ્તા પર ટ્રાફિક પૂર્વવત થયો હતો.