નવસારી: (NavsarI) નેશનલ હાઈવે નં. 48 ઉપર વેસ્મા ઓવરબ્રિજ (Overbridge) પાસેથી 48 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ (Wanted) જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
- વેસ્મા પાસેથી કારના બોનેટના ભાગે ચોરખાનામાંથી દારૂ સાથે સુરતનો શખ્સ ઝડપાયો
- રાહુલે વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો અને સુરત નાનપુરા બહુમાળી જૂની કોર્ટની પાછળ રહેતા રાજુએ મંગાવ્યો હતો
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર વેસ્મા ઓવરબ્રિજથી આગળ સર્વિસ રોડ ઉપર એક કાર (નં. જીજે-16-સીડી-3160) ને રોકી તપાસ કરી હતી. જે કારના આગળના બોનેટના ભાગે ચોરખાનામાંથી 48 હજારના વિદેશી દારૂની 60 નંગ બાટલીઓ મળી આવતા સુરત જહાંગીરપુરા ચિત્રાલી રોડ પારીજાત સોસાયટી સામે માધવ રેસીડન્સીમાં રહેતા બાબુભાઈ શિવાભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો.
પોલીસે બાબુભાઈની પુછપરછ કરતા દમણ દેવકાબીચમાં રહેતા રાહુલે વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો અને સુરત નાનપુરા બહુમાળી જૂની કોર્ટની પાછળ રહેતા રાજુએ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે રાહુલ અને રાજુને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 7 લાખની કાર અને 500 રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 7,48,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
પારડી હાઇવે પર રિક્ષામાં દારૂ લઇ જતો ઉદવાડાનો બુટલેગર ઝડપાયો
પારડી : પારડી હાઇવે પર રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ પેરોલ ફ્લો સ્કોડ અને એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે પારડી નેશનલ હાઇવે નંબર 48 વલસાડ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન રિક્ષા આવતા પોલીસે રોકી તપાસ કરતા દારૂની બોટલ નંગ 64 જેની કિંમત રૂ. 7,400 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રીક્ષા ચાલક અમુલ ઉર્ફે અક્કુ સુરેશભાઈ હળપતિ (રહે. ઉદવાડા ગામ તા. પારડી)ને ઝડપી પાડ્યો હતો. અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દારૂ ભરાવનાર હીરાલાલ કાળીદાસ હળપતિ (રહે. દમણ કડૈયા) અને મંગાવનાર સંતોષ ઉર્ફ મનોજભાઈ માંગેલા (રહે. સુરવાડા વલસાડ)ને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. અને દારૂનો જથ્થો, મોબાઇલ, રિક્ષા સહિત કુલ રૂ. 42,400 નો મુદ્દા માલ કબજે કરી પ્રોહીબિશન એક્ટ હેઠળ પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.