સુરત (Surat) : ચમકતા હીરાએ (Diamond) સુરતને વિશ્વમાં ડાયમંડ સિટીની ઓળખ આપી એ સુરતનો હીરા ઉદ્યોગ એની ચમક ગુમાવી રહ્યોં છે. પોલિશડ ડાયમંડ એટલે કે તૈયાર હીરાની વૈશ્વિક મંદીમાં ડિમાન્ડ ઘટી જતાં સુરતનાં મોટાભાગના કારખાનેદારોએ 9 નવેમ્બરથી દિવાળી વેકેશન (Diwali Vacation) જાહેર કરી દીધું છે.
ડાયમંડ માઇનિંગ કંપનીઓની સાઇટ હોલ્ડરશીપ ધરાવનાર મોટી કંપનીઓએ 9 થી 27 નવેમ્બર સુધી વેકેશનની રાખવા સાથે 28 નવેમ્બરે કંપનીમાં ફરી કામકાજ શરૂ કરવાની જાહેરાત કરી છે. પણ જોબવર્ક પર કામ કરતાં કારખાનેદારોને કામ મળે એમ નહીં હોવાથી તેમણે કારખાનું ખોલવાની તારીખ જાહેર નહીં કરી બધાને ચોંકાવી દીધા છે.
નવરાત્રિનાં આગલા દિવસોથી સુરતનાં હીરા ઉદ્યોગમાં કામના કલાકો વધારી કારીગરોને 14 થી 16 કલાક કામ કરવાની છૂટ આપવામાં આવે છે, ત્યાં કામના કલાકો ઘટાડી સવારે 9 થી સાંજે 5 કરી દેવાયા છે. સુરતની મોટી કંપનીઓના છાતીના પાટિયા બેસી ગયા છે.
દિવાળી વેકેશન પૂર્વે જ સપ્તાહમાં બે દિવસનો ઉત્પાદન કાપ મુક્વો પડ્યો છે, એટલું જ નહીં કારીગરોને દિવાળી વેકેશન 21 દિવસને બદલે એક મહિના કે એ થી વધુ રહે એવી મોંઘમમાં વાત પણ કરી દીધી છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદી ચાલી રહી છે, ત્યાં હવે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન, વચ્ચે યુદ્ધ શરૂ થતાં ચીન, અમેરિકા, યુરોપ પછી હવે મિડલ ઇસ્ટમાં દેશોમાં પણ વેપારને અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.
ડાયમંડ જ્વેલરીની માંગ ઘટી જતાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગનાં હબ સુરતનો હીરા ઉદ્યોગ ગંભીર મંદીમાં સપડાયો છે. નાના હીરાના કારખાનેદારો પાસે પોતાનું અને જોબવર્કનું કામ રહ્યું નથી. તાજેતરમાં મુંબઈમાં ભારતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 5 સંગઠનોએ 15 ઓક્ટોબર-15 ડિસેમ્બર સુધી નેચરલ રફ ડાયમંડની આયાત સ્વૈચ્છીક રીતે બંધ કરવાની જાહેરાત કરતાં હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.
વિશ્વની તમામ માઇનિંગ કંપનીઓને ઈમેલ મોકલી જાણ કરાઈ ભારતની ડાયમંડ કંપનીઓ લાંબો સમય નુકશાન વેઠી શકે નહીં, માટે સહયોગ કરો એવી જાણ કરવામાં આવી છે. બીજી તરફ આ નિર્ણયની જાણ રત્નકલાકારોનાં સંગઠનો સુધી પહોંચતા તેમણે સવાલો ઊભા કર્યા છે. આ વખતે 10 નવેમ્બરે કારખાના બંધ થશે અને 15 ડિસેમ્બર પહેલા ઉઘડે એવી શક્યતા ઓછી છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલ શાહ, સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણી(પટેલ), ભારત ડાયમંડ બુર્સના પ્રમુખ અનૂપ મહેતા, મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિએશનનાં પ્રમુખ ભરત શાહ, અને સુરત ડાયમંડ એસોસિએશનનાં પ્રમુખ જગદીશ ખુંટએ સંયુક્ત રીતે બે પાનાંનો પત્ર લખી બે મહિના રફની ખરીદી નહીં કરવાની જાણ કરી છે. તૈયાર હીરા અને જ્વેલરીનું મુખ્ય બજાર ચીન, અમેરિકા અને યુરોપના દેશોમાં છે. અહી ડાયમંડ જ્વેલરીની માંગ ખૂબ ઘટી ગઈ છે. ભારતે નાણાકીય વર્ષ 2023-24 માં જેમ એન્ડ જ્વેલરીનો વેપાર 35% ઘટશે એવો અંદાજ મુક્યો છે.