World

ભારતે વિમાન દ્વારા પેલેસ્ટાઈનને મોકલી રાહત સામગ્રી, 20 ટ્રકો સાથે ઇજીપ્તનો પહેલો જથ્થો ગાઝામાં પ્રવેશ્યો

ઇઝરાયલ-હમાસ (Israel-Hamas) યુદ્ધનો (War) આજે 15મો દિવસ છે. ગાઝા પર ઇઝરાયેલના હુમલા બાદ ત્યાંના લોકો પર જાણે આફત તુટી પડી છે. ખાવાની વસ્તુઓ અને પાણીથી લઈ મેડિકલ સુવિધાઓ પણ હવે પૂરી થઈ રહી છે. તેવામાં ભારતે પેલેસ્ટાઈનીઓને લગભગ 6500 કિલો મેડિકલ સહાય અને 32 હજાર કિલો ખાદ્ય તેમજ અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ મોકલી છે. ભારતે વિમાન (Plane) દ્વારા મોકલેલી વસ્તુઓના બોક્સ પર ”ભારતના લોકો તરફથી પેલેસ્ટાઈનીઓને ભેટ” લખવામાં આવ્યું છે.

ભારત દ્વારા પેલેસ્ટિનિયન લોકો માટે આશરે 6.5 ટન તબીબી સહાય અને 32 ટન આપત્તિ રાહત પુરવઠો વહન કરતી IAF C-17 ફ્લાઇટ ઇજિપ્તના અલ-આરિશ એર બેઝ માટે રવાના થઈ છે. સામગ્રીમાં જીવનરક્ષક દવાઓ, સર્જીકલ સપ્લાય, ટેન્ટ, સ્લીપિંગ બેગ, તાડપત્રી, સ્વચ્છતા સુવિધાઓ, પાણી શુદ્ધિકરણની ગોળીઓ સહિત અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે.

સપોર્ટ સિસ્ટમ પૂરી થઈ રહી છે- નવજાત બાળકોના જીવ જોખમમાં
ગાઝાની હોસ્પિટલોમાં મોટી મેડિકલ ઇમરજન્સી ઉભી થઈ છે. ગાઝાની હોસ્પિટલોના ડોક્ટરોએ ચેતવણી જાહેર કરી છે કે ત્યાંના લગભગ 130 નવજાત શિશુઓના જીવ જોખમમાં છે. ડોક્ટરોએ કહ્યું છે કે જો ઈંધણ જલદી પહોંચાડવામાં નહીં આવે તો સપોર્ટ સિસ્ટમ વધુ સમય સુધી કામ કરી શકશે નહીં. જેના કારણે બાળકોનાં મોત થઈ શકે છે. બીજી તરફ નાના ઘવાયેલા બાળકોથી પણ હોસ્પિટલો ઉભરાઈ રહી છે.

શસ્ત્રક્રિયા માટે સીવણ સોયનો ઉપયોગ
ગાઝાની હોસ્પિટલોમાં સર્વત્ર દર્દીઓની ચીસો છે. એનેસ્થેસિયા, લાઇટ અને પથારી વિના, પટ્ટીને બદલે કપડાનો ઉપયોગ કરીને અને સર્જરી માટે કાપડ સીવવાની સોયનો ઉપયોગ કરી ગાઝાના ડોક્ટરો મરતા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડોકટરોનું કહેવું છે કે જ્યારે પણ ઈઝરાયેલ બોમ્બમારો તીવ્ર બને છે ત્યારે ગાઝાની હોસ્પિટલો ઘાયલ લોકોથી ખીચોખીચ ભરાઈ જાય છે. હોસ્પિટલની બહાર ઘાયલોની લાંબી કતારો છે. બાળકોથી માંડીને દર્દીઓ સુધી તમામ ઉંમરના દર્દીઓની ચીસોથી સમગ્ર હોસ્પિટલ ગૂંજી ઉઠે છે. પરંતુ હવે સંસાધનોના અભાવે દરેકને યોગ્ય સારવાર આપવી એ તબીબો માટે પડકાર બની રહ્યું છે.

યુએનએ ગાઝા પહોંચેલી મદદ બદલ આભાર વ્યક્ત કર્યો
યુએનના નેતાઓ અને એજન્સીઓએ ઇજિપ્તથી રફાહ બોર્ડર ક્રોસિંગ દ્વારા ગાઝામાં માનવતાવાદી સહાયના આગમનને આવકારતા કહ્યું કે તે માત્ર એક નાની શરૂઆત છે. આ સમય દરમિયાન તેમણે તાત્કાલિક યુદ્ધવિરામની અપીલનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. ઇજિપ્તની રેડ ક્રેસન્ટ સોસાયટીના 20 ટ્રકોનો કાફલો માનવતાવાદી પુરવઠા સાથે ગાઝામાં પ્રવેશ્યો છે. 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધ પછી આ પહેલું કન્સાઈનમેન્ટ છે જે ગાઝા પહોંચ્યું છે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે શનિવારે કહ્યું કે હું આ સંબંધમાં ઇજિપ્તનો આભાર વ્યક્ત કરું છું. પરંતુ ગાઝાને આના કરતાં ઘણી વધુ જરૂર છે. તેમને માનવતાવાદી સહાયના સતત પુરવઠાની જરૂર છે.

Most Popular

To Top