શ્રી હરિકોટા(ShriHarikota) : તમામ મુશ્કેલીઓને પાર કરી ઈસરોએ (ISRO) ગગનયાન (Gaganyan) મિશનની પહેલી ટેસ્ટ ફ્લાઈટ (FirstTestFlight) સફળતાપૂર્વક લોન્ચ કરી ઈતિહાસ રચ્યો છે. ઈસરોએ આજે શનિવારે તા. 21-10-2023ના રોજ શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર (SatishDhavanSpaceCenter) પરથી ગગનયાનના ક્રુ મોડ્યુલને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન 1 (TestVehicleAborteMission) અને ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાયન્ટ (TV-DV1) પણ કહેવામાં આવે છે.
આ ટેસ્ટિંગને સરળ ભાષામાં સમજીએ તો મિશન દરમિયાન રોકેટમાં કોઈ ખામી સર્જાય તો એની અંદર રહેલા અંતરિક્ષયાત્રીને સુરક્ષિત રીતે પૃથ્વી પર લાવવાની સિસ્ટમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ મિશન 8.8 મિનિટનું હતું. આ મિશનમાં 17 Km ઉપર ગયા પછી ક્રૂ મોડ્યૂલને શ્રી હરિકોટાથી 10 કિમી દૂર બંગાળની ખાડીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.
ઈસરોના ચીફ એસ. સોમનાથે કહ્યું કે, મને એ જણાવતા આનંદ થાય છે કે ટીવી-ડીવી1 (ક્રુ મોડ્યુલ) મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. સોમનાથે આ સફળતા માટે ઈસરોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ટેસ્ટિંગ મિશન શરૂ થાય પહેલાં થોડી ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના લીધે તેને હોલ્ડ કરવામાં આવ્યું હતું. ઈસરોએ ગગનયાન મિશનના ટેસ્ટ વ્હીકલનું લોન્ચિંગ 5 સેકન્ડ પહેલાં અટકાવી દીધું હતું. તેને શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી 8 વાગ્યે લોન્ચ કરવામાં આવનાર હતું પરંતુ ખરાબ હવામાનને પગલે તેને 8.45 લોન્ચ કરાયું હતું. આ મિશનનો સંપૂર્ણ સમયગાળો 8.8 મિનિટનો હતો. ટેસ્ટિંગ ફ્લાઈટમાં ત્રણ ભાગ છે, જેમાં સિંગલ સ્ટેજ લિક્વિડ રોકેટ, ક્રુ મોડ્યુલ અને ક્રુ એસ્કેપ સિસ્ટમ એબોર્ટ મિશન માટે બનાવાયા છે. ક્રુ મોડ્યુલની અંદરનું વાતાવરણ મેન્ડ મિશન જેવું રાખવામાં આવ્યું હતું. આ મિશનમાં 17 કિ.મી. ઉપર ગયા બાદ ક્રુ મોડ્યુલને શ્રી હરિકોટાથી 10 કિ.મી. દૂર દરિયામાં લેન્ડ કરવામાં આવ્યું હતું.
મિશન મોકૂફ રાખવા મામલે ઈસરોએ સ્પષ્ટતા આપી
ઈસરોના પ્રમુખ એસ. સોમનાથે કહ્યું હતું કે અમને અંદાજ આવી ગયો હતો કે કશીક ગરબડ થઈ છે. તેથી ટેસ્ટીંગ વ્હીકલમાં કોઈ ખામી નહોતી, પરંતુ એન્જિન સમયસર ચાલુ થઈ શક્યા નહીં. આ ખામીની તપાસ કર્યા બાદ તેને સુધારવામાં આવી હતી. તેથી લિફ્ટ બંધ કરવાનો સમય ટાળવામાં આવ્યો હતો. કોઈક કારણોસર ઓટોમેટિક લોન્ચિંગ મુશ્કેલીમાં મુકાયું હતું અને કમ્પ્યુટરે લોન્ચને અટકાવી દીધું હતું. અમે મેન્યુઅલી આ ખામીની તપાસ કરીશું.
આવતા વર્ષે ફરીથી ટેસ્ટ ફ્લાઈટ મોકલવામાં આવશે
આ ટેસ્ટિંગ ફ્લાઇટની સફળતા ગગનયાન મિશનના આગળના તમામ આયોજનની રૂપરેખા નક્કી કરશે. આવતા વર્ષે બીજી ટેસ્ટ ફ્લાઈટ હશે જેમાં હ્યુમનનોઈડ રોબોટ વ્યોમિત્રને મોકલવામાં આવશે. એબોર્ટ ટેસ્ટનો અર્થ એ છે કે જો કોઈ સમસ્યા હોય તો અવકાશયાત્રી સાથે આ મોડ્યુલ તેમને સુરક્ષિત રીતે નીચે લાવી શકે છે.
ઈસરોએ જણાવ્યું હતું કે ‘ક્રુ મોડ્યુલ’ (જે અવકાશયાત્રીઓને લઈ જશે) અને ક્રૂ રેસ્ક્યૂ સિસ્ટમથી સજ્જ સિંગલ-સ્ટેજ લિક્વિડ પ્રોપલ્શન રોકેટને સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી હટાવી લેવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ અવકાશયાન મિશનનો ઉદ્દેશ્ય ગગનયાન મિશન હેઠળ ભારતીય અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત લાવવા માટે ક્રૂ મોડ્યુલ અને ક્રૂ રેસ્ક્યૂ સિસ્ટમના સલામતી પરિમાણોનો અભ્યાસ કરવાનો છે.
આ મિશનનું લક્ષ્ય શું છે?
ગગનયાન મિશનનો ઉદ્દેશ્ય 2025માં ત્રણ દિવસના મિશનમાં 400 કિલોમીટરની ઉંચાઈએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં માનવોને મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે. ભારતીય અવકાશયાત્રીઓ એટલે કે ગગનૌટ્સ ક્રૂ મોડ્યુલની અંદર બેસીને 400 કિલોમીટરની ઉંચાઈએ ઓછી ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ ફરશે. ISRO તેના ટેસ્ટ વ્હીકલ – ડેમોન્સ્ટ્રેશન (TV-D1), સિંગલ સ્ટેજ લિક્વિડ પ્રોપલ્શન રોકેટના સફળ લોન્ચિંગનો પ્રયાસ કરશે. ક્રૂ મોડ્યુલ સાથેનું આ પરીક્ષણ વાહન મિશન એકંદર ગગનયાન કાર્યક્રમ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ‘ક્રુ મોડ્યુલ’ એ રોકેટમાં પેલોડ છે અને તે પૃથ્વી જેવા વાતાવરણ સાથે અવકાશમાં અવકાશયાત્રીઓ માટે રહેવા યોગ્ય જગ્યા છે. તેમાં દબાણયુક્ત ધાતુનું ‘આંતરિક માળખું’ અને થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ્સ સાથેનું દબાણ વિનાનું ‘બાહ્ય માળખું’ હોય છે.