Comments

‘ઇન્ડિયા’માં પણ ભંગાણ શરૂ

પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિપક્ષોના ગઠબંધન ‘ઇન્ડિયા’માં બધું સમુસુતરું છે એવું તો ચિત્ર ઉપસ્યું નથી. મધ્યપ્રદેશમાં આપ અને સપા બંનેએ કોંગ્રેસ સાથે કોળી સમજુતી કરી નથી અને પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. એનો અર્થ એ થયો કે, ‘ઇન્ડિયા’ની એકતા લોક્સભાની ચૂંટણી સુધી રહેશે કે ભંગાણ વધુ પડશે એ સવાલ મુશ્કેલ બનતો જાય છે. ચૂંટણી થવાની છે એ પાંચ રાજ્યોમાં ત્રણ રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લગભગ સીધી ટક્કર છે. પણ આપ અને સપા મેદાનમાં ઉતરતાં એનું નુકસાન કોંગ્રેસને વેઠવું પડી શકે છે.

મધ્યપ્રદેશમાં અખિલેશ યાદવે તો ૨૨ ઉમેદવારોની સૂચિ જાહેર કરી દીધી છે અને હજુ ય વધુ નામો જાહેર કરી શકે છે. અખિલેશે પક્ષનો ચૂંટણી ઢંઢેરો પણ બહાર પાડી દીધો છે. અખિલેશનું કહેવું છે કે, ‘ઇન્ડિયા’ગઠબંધન તો લોકસભાની ચૂંટણી માટે છે, રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે તાલમેળ બેઠો નથી. કોંગ્રેસે તો એમપીમાં બધી બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધાં છે. એટલે અમે પણ જાહેર કર્યા છે. આપ પણ આવા જ મૂડમાં છે. આપ છતીસગઢમાં પણ લડી રહ્યો છે. રાજસ્થાનમાં પણ લડશે.

આનો મતલબ એ થયો કે, વિધાનસભાની ચૂંટણીમાં ‘ઇન્ડિયા’માં સમજુતીને અવકાશ નથી અને આવું રહ્યું તો લોકસભા માટે પણ સમજુતી કરવાનું લોઢાના ચણા ચાવવા જેવું થશે. યુપીમાં લોકસભામાં પણ સપા અને કોંગ્રેસ વચ્ચે કોઈ સમજુતી થાય એવું લાગતું નથી. એના અણસાર અત્યારથી જ મળી રહ્યા છે. બંગાળમાં મમતા બેનર્જી ડાબેરીઓ સાથે કોઈ સમજુતીના મૂડમાં નથી. આ રીતે તો ભાજપને માત આપી શકવાનું કામ ‘ઇન્ડિયા’માટે વધુ અઘરું બની જશે. ભાજપ સાથે વન ટુ વનનો જંગ જ વિપક્ષને ફાયદો કરાવી શકે.

જો કે, એનડીએમાં પણ ભંગાણ તો પડ્યાં જ છે. તામિલનાડુમાં અન્નાડીએમકે સાથે જોડાણ પડી ભાંગ્યું છે અને અન્નાડીએમકેએ લોકસભાની ચૂંટણી એકલા હાથે લડવાનું નક્કી કર્યું છે. કર્નાટકમાં જેડીએસ સાથે ભાજપે જોડાણ તો કર્યું છે પણ આ જોડાણનો જેડીએસમાં જ આકરો વિરોધ શરૂ થયો છે. જેડીએસનાં કેટલાક નેતાઓએ તો દેવ ગોવડાને એનડીએમાં ના જોડાવા દબાણ કર્યું છે. આ મુદે્ કેટલાક નેતાઓ પક્ષ પણ છોડી શકે એવા અહેવાલો છે. ભાજપને અહીં  પણ ફટકો પડી શકે છે.

લોકસભાની ચૂંટણી સુધી આ સમજુતી કેવા રંગ લાવે છે એ જોવાનું છે. આંધ્રપ્રદેશમાં પણ ભાજપ મુશ્કેલીમાં છે. ટીડીપીના નેતા ચંદ્રાબાબુ નાયડુની કેટલાક કેસમાં ધરપકડ કર્યા બાદ ભાજપ માટે મુશ્કેલી વધી છે. નાયડુ સામે પગલું તો જગન રેડ્ડીએ લીધું છે, પણ છાપ એવી પડી છે કે, કેન્દ્ર સરકાર પણ એમાં સામેલ છે. ભાજપ નાયડુને પોતાના પડખામાં લેવા માગે છે. નાયડુ પુત્ર ગૃહમંત્રી અમિત શાહને મળ્યા પણ છે. બીજી બાજુ , આ સ્થિતિનો કોંગ્રેસ લાભ ઉઠાવવા માગે છે. જગન રેડ્ડીને ‘ઇન્ડિયા’માં લાવવા માટે કોંગ્રેસે કર્ણાટકના જુગાડુ નેતા ડીકે શિવકુમારને કામ સોંપ્યું છે. એટલે લોકસભાની ચૂંટણી પહેલાં આ રાજ્યમાં પણ કોઈ નવાજુની થઇ શકે છે.

ગુજરાત અને યુપી : કર્મચારીને ખુશ કરે છે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં કેટલાક નિર્ણયો લેવાશે એ ગણતરી સાચી પડવા લાગી છે. ગૃહ મંત્રી અમિત શાહે ભાજપના અને સરકારના વરિષ્ઠ નેતાઓ સાથે રાત ઉજાગરા કરી બેઠકો કરી એ પછી સરકાર દ્વારા એક મહત્ત્વની જાહેરાત થઇ છે. ફિક્સ પેના કર્મચારીઓ છે એમના પગારમાં ૩૦ ટકા જેવો જંગી વધારો કરાયો છે. એટલે કે એમને દિવાળીની ભેટ આપી છે. ૬૧ હજારથી વધુ આવાં કર્મચારીઓ છે એમને ખાસ્સો આર્થિક ફાયદો થશે અને સરકાર પર આ કારણે ૫૫૦ કરોડનો વાર્ષિક બોજ આવશે. ગુજરાત સરકારનું આ બહુ મહત્ત્વનું પગલું છે. લોકસભાની ચૂંટણી પહેલાં પક્ષના સંગઠનમાં પણ બદલાવ આવવાની શક્યતા છે. એટલું જ નહિ બોર્ડ નિગમોમાં પણ નિયુક્તિઓ કરી કેટલાકને રાજી કરી દેવાની અટકળો પણ શરૂ થઇ છે.

બીજી બાજુ યુપી સરકારે પણ ગુજરાત જેવું પગલું કર્મચારીઓ ખુશ કરવા લીધું છે. યુપીમાં ગુજરાતના વિદ્યા સહાયકોની જેમ શિક્ષા મિત્રોની ભરતી થઇ છે. એમને ત્યાં માત્ર રૂ. દસ હજાર જ પગાર અપાય છે અને આવા શિક્ષા મિત્રોની સંખ્યા દોઢ લાખ છે. એમના પગાર મુદે્ ઘણા સમયથી માંગણી થઈ રહી છે. કારણ કે છેલ્લાં ઘણાં વર્ષથી એમના પગારમાં વધારો થયો નથી. આખરે યોગી સરકારે વાત સ્વીકારી છે અને સરકારે એક સમિતિ બનાવી છે અને એની ભલામણોના આધારે એકાદ મહિનામાં જ સરકાર યોગ્ય રીતે પગારમાં વધારો કરશે એવી ખાતરી અપાઈ છે. લોકસભાની ચૂંટણી આવે છે એ સરકારી કર્મચારીઓને ફળી રહી છે.

આવી છે શિક્ષણની દશા
દેશમાં નાનાં રાજ્યો બન્યાં એનો વિરોધ ના હોઈ શકે, પણ એની રચના બાદ એનો વિકાસ કેવો થાય છે એ મહત્ત્વનું છે. ઉત્તરાખંડનું ઉદાહરણ દેવા જેવું છે નહિ. અહીં શિક્ષણની દશા બહુ ખરાબ છે. શિક્ષણ એ પ્રગતિનો પાસપોર્ટ છે. એના વિના કોઈ વિકાસ થઇ ના શકે. પણ એક અહેવાલ મુજબ અહીં ૧૮ ટકા જ લોકો દસ કે બાર ધોરણ સુધી ભણે છે. પછી અભ્યાસ છોડી દે છે. ૧૨.૨ ટકા બાળકો પાંચમી સુધી ભણે છે. ગામડામાં સાક્ષરતાનો દર ૧૭.૮ ટકા છે અને શહેરી વિસ્તારમાં એનાથી ય ઓછો ૧૨.૮ ટકા છે. આ સ્થિતિમાં કોઈ રાજ્ય કઈ રીતે વિકસિત થઇ શકે? શિક્ષણની ભૌતિક સુવિધાનો અભાવ છે એ કારણે આ સ્થિતિ ઊભી થઇ છે. સ્ટાફની પણ સમસ્યા છે. ઘણાં રાજ્યોમાં સરકારી પ્રાથમિક શાળાની દશા દયનીય હોય છે અને એ કારણે શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઊંચો રહે છે. સરકાર નવી શિક્ષણ નીતિ લાવી રહી છે એ સારી વાત છે, પણ પ્રાથમિક શિક્ષણની દશા સુધારવા માટે હજુ ઘણું કરવું બાકી છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top