સુરત(Surat) : નવરાત્રિ બાદ હવે દિવાળીની ઉજવણી માટેના સરકારી ફરમાનો બહાર પડ્યા છે. નવરાત્રિમાં રાજ્ય સરકારની મધ્યસ્થીના પગલે રાત્રિના 12 વાગ્યા બાદ પણ ગરબે ઘુમવાની મંજૂરી મળી છે, ત્યારે હવે સુરતની કલેક્ટર કચેરી દ્વારા દિવાળીમાં ફટાકડા કેવા અને ક્યારે ફોડવા તે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
દિવાળીના (Diwali) તહેવારોના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તંત્ર પણ હવે હરકતમાં આવ્યું છે અને ફટાકડા (Crackers) ફોડવા અંગેની ચોક્કસ માર્ગદર્શિકા (GuideLine) બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને વધારે ડેન્સીટીના ફટાકડા ફોડવા પર તો પ્રતિબંધ (Ban) છે જ પરંતુ મોડી રાત સુધી ફટાકડા ન ફોડવા અંગેની સુપ્રિમ કોર્ટની (Supreme) ગાઇડ લાઇનનું પાલન કરવા અંગે પણ સુરતની ક્લેકટર કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આગના અકસ્માતના, જાનહાનિના બનાવો ના બને અને લોકોના સ્વાસ્થયને અસર નહીં થાય તેને ધ્યાનમાં રાખીને સુરતના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય. બી. ઝાલાએ જાહેરનામું બહાર પાડીને કેટલાક પ્રતિબંધો મુકયા છે. જેમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે. તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકયો છે. આથી આવા તથા ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી વેચી કે ફોડી શકાશે નહીં.
વધુમાં દિવાળીના તહેવારમાં ફટાકડા રાત્રે 8 થી 10 વાગ્યા સુધીમાં જ ફોડી શકાશે. હોસ્પિટલ, નર્સિગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ. ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે. સાયલન્ટ ઝોન જાહેર કરાયેલા વિસ્તારમાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.
આ ઉપરાંત કોઇ પણ પ્રકારના વિદેશી ફટાકડા તેમજ ચાઇનીઝ તુક્કલ, બલુન આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં, દિવાળીના તહેવારોમાં ઉડાડી શકાશે પણ નહીં. આ જાહેરનામું સુરત જિલ્લા કલેકટરની નેજા હેઠળના વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યુ છે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદેસર પગલા ભરવામાં આવશે.