આણંદ: આણંદ જિલ્લામાં પેન્શનરોને આ વર્ષે વિવિધ બેંકોની બેદરકારીને કારણે પેન્શન અટકી ગયું હોવાની બાબત ઉજાગર થવા પામી છે. હવે પેન્શનરોને જીલ્લા મથકે ટ્રેઝરી કચેરી આણંદના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. મોટાભાગના પેન્શનરોએ હયાતીનો દાખલો આપી દીધો હોવા છતાં બેંકોએ ટ્રેઝરી કચેરીને સમયસર નહીં મોકલતા વિકટ સ્થિતિ સર્જાઇ છે. પેન્શન મેળવતા નિવૃત કર્મચારીઓને સરકારના નિયમ પ્રમાણે દર વર્ષે બેંકમાં અથવા તિજોરી કચેરીમાં રૂબરૂ જઇને હયાતીનું પ્રમાણપત્ર મેળવવાનું રહે છે. ચાલું વર્ષે પણ આ પ્રક્રિયા શરૂ થઇ હતી. ગત 31મી ઓગસ્ટ સુધીમાં પેન્શનરોએ હયાતીનું પ્રમાણપત્ર આપવાનું હતું. ગણીગાંઠી બેંકો દ્વારા પેન્શનરોના હયાતીના પ્રમાણપત્રો સપ્ટેમ્બર મહિનામાં ટ્રેઝરી કચેરીને મોકલી આપ્યા હતા.
જ્યારે કેટલીક બેન્કો દ્વારા હયાતી પ્રમાણપત્રો પહોંચાડવામાં ઠાગાઠૈયા કરાતાં આ સમય દરમિયાન જે પેન્શનરોનું પ્રમાણપત્ર મળ્યું ન હોય તેવા પેન્શનરોના સપ્ટેમ્બર માસના પેન્શન તિજોરી કચેરીએ અટકાવી દીધા છે. ઓક્ટોબરમાં પેન્શન જમા થવાના મેસેજ નહીં આવતા કેટલાક પેન્શનરોએ તપાસ કરી હતી. પુછપરછ દરમિયાન પેન્શનરોને જાણવા મળ્યું હતું કે, હયાતીનું પ્રમાણપત્ર જમા થયું નથી. જેથી પેન્શન જમા થયેલ નથી. આણંદ જિલ્લામાં મોટી સંખ્યામાં આ વખતે નિવૃતોને આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી સંબંધિત બેન્ક શાખાઓ દ્વારા વહેલી તકે હયાતી પ્રમાણપત્રો બાબત હકારાત્મક અભિગમ રાખીને પેન્શન બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પેન્શનરોએ વ્યક્ત કરી છે.