ગાંધીનગર: (Gandhinagar) પીએમઓના નકલી અધિકારીઓની ગુજરાતમાંથી (Gujarat) ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હવે સેન્ટ્રલ એજન્સીઓ ગુજરાતમાં એલર્ટ (Alert) થઈ ગઈ છે. કેટલાંક ગઠિયાઓ પોતાના કામો કરાવવા માટે પીએમઓના અધિકારીની ઓળખ આપી રહ્યા છે. અગાઉ અમદાવાદના કિરણ પટેલની કાશ્મીરમાંથી ધરપકડ કરાઈ હતી. ગુજરાતમાંથી નકલી કલેકટર, નકલી ઈડી અધિકારી, નકલી પ્રાન્ત અધિકારી તથા નકલી જીએસટી ઓફિસર પણ પકડાઈ ચૂકયા છે.
- વડોદરાના બે તબીબો વચ્ચેની મડાગાંઠમાં મયંક તિવારીએ PMO અધિકારી તરીકે ઓળખ આપી એક તબીબને સેટલમેન્ટ કરવા ધમકાવ્યા હતાં
- વાત વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચતાં PMOના અંડર સેક્રેટરી ચિરાગ પંચાલે CBIને પૂરાવા સોંપી તપાસ કરવા આગ્રહ કર્યો
પીએમ ઓફિસ પછી ચીફ મિનિસ્ટર ઓફિસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓના નામે બનાવટી આઇકાર્ડ બનાવી લોકો સાથે છેતરપીંડી કરતા ઠગભગતો ગુજરાતમાં સક્રિય બન્યાં છે, છતાં કઠોર પગલાં નહીં લેવાતા હવે વડોદરાના નકલી પીએમઓ અધિકારી મયંક તિવારીનો કિસ્સો પણ સામે આવ્યો છે. આ ગઠિયો કિરણ પટેલની નવી આવૃત્તિ છે, જેની સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)માં સીધી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. થોડાં મહિનાઓ પહેલાં પીએમ ઓફિસના અધિકારી બનીને જમ્મુ-કાશ્મીરના આંટાફેરા કરી લોકો સાથે કરોડો રૂપિયાના ઠગાઇ કરનારા કિરણ પટેલ સામે કાયદાકીય પગલાં હજી પૂર્ણ થયા નથી, તે પહેલાં વધુ એક ઠગભગતની ઘટના સામે આવી છે.
પોતાને ડાયરેક્ટર, ગવર્મેન્ટ એડવાઇઝરી ઇન ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ (પીએમઓ)ની ઓળખ આપી લોકો સાથે ઠગાઇ કરનાર વડોદરાના મયંક તિવારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસના અંડર સેક્રેટરી ચિરાગ પંચાલ મારફતે કરવામાં આવી છે. તેમણે સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર (પોલિસી), નવી દિલ્હીને આ ફરિયાદ આપી છે. તેમણે કહ્યું છે કે મયંક તિવારી પીએમ ઓફિસના નામનો દુરપયોગ કરી રહ્યો છે. તેથી તેની સામે પગલાં લેવા આગ્રહ છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આ વ્યક્તિએ અમુક વ્યાપારી સંસ્થાઓને ધમકી આપવા માટે આ હોદ્દાનો દુરપયોગ કર્યો છે. આ બાબતે ફરિયાદ સાથે કચેરીને મળેલા કેટલાક ડોક્યુમેન્ટ પણ તપાસ માટે આપવામાં આવ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ આ વ્યક્તિ પીએમઓના અધિકારી તરીકેનો ઢોંગ કરી રહ્યો છે અને પીએમ ઓફિસને બદનામ કરી રહ્યો છે. પીએમ ઓફિસમાં આ નામનો કોઇ વ્યક્તિ છે નહીં અને તેવો કોઇ હોદ્દો ધરાવતો નથી.
પીએમઓ દ્વારા કરાયેલી ફરિયાદની ઘટનામાં મળતી વિગતો મુજબ, વડોદરાના બે મોટા તબીબો વચ્ચેનો આ મામલો છે. જે સેટલ કરવા માટે મયંક તિવારીએ પીએમઓના અધિકારી તરીકે ધમકી આપી હતી. જેમાં આઈ હોસ્પિટલના તબીબને મોટી રકમનું સેટલમેન્ટ અન્ય હોસ્પિટલના તબીબની સાથે કરવા માટે મયંક તિવારીએ પીએમઓ અધિકારી તરીકે ધમકી આપી હતી. આ તપાસમાં સીબીઆઈ આગળ વધી છે. એવું પણ કહેવાય છે કે વડોદરાના આ મયંક તિવારીની વડોદરા ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી હતી. એ સમયે તે પીએમઓના અધિકારી તરીકેની ઓળખ આપતો હતો. પીએમઓની ફરિયાદ પછી સીબીઆઇ ફરીથી આ ઠગભગતના કેસમાં એક્ટિવ બની છે.