રોજ સાંજે બધા રિટાયર મિત્રો સોસાયટીના ગાર્ડનમાં ભેગા થતાં અને થોડું વોક અને ઘણી બધી વાતો કરતા બધા પોતાના જીવનના કડવા મીઠા અનુભવો કહેતા, કયારેક અધૂરાં સપનાઓની વાત થતી તો ક્યારેક ન જોયેલા સપના પણ પુરા થયાની. તેમની વાતો સાંભળવાથી ઘણું શીખવા મળતું કારણ કે તેમની વાતોમાં અનુભવમાંથી મળેલી શીખ હતી.
આજે એક મોટી કોર્પોરેટ ઓફિસના CEO પદ પરથી હમણાં જ રિટાયર થયેલા અને સોસાયટીમાં નવા રહેવા આવેલા મિ.શ્રીનિવાસન પહેલી વાર આવ્યા હતા. તેમની બધા સાથે ઓળખાણ કરાવતાં તેમના પાડોશીએ કહ્યું, ‘આ છે મિ.શ્રીનિવાસન રિટાયર સી.ઈ.ઓ ઓફ જે.બી.ફાઈનાન્સ…’ મિશ્રીનિવાસન વચ્ચે જ બોલ્યા, ‘હું મારી કંપનીના CEO પદથી રિટાયર થયો છું પણ મારી લાઈફનો તો હું CEO જ છું અને હું તો કહું છું કે, બધાએ પોતાના જીવનના CEO બનીને જ રહેવું જોઈએ!!’ તેમની આ વાતમાં છુપાયેલો અર્થ બધાને સમજાયો નહિ એટલે તેમના પાડોશીએ કહ્યું, ‘’એટલે મિ.શ્રીનિવાસન તમે શું કહેવા માંગો છો ?? તમે CEO બની શક્યા પણ બધા થોડા બની શકે?’’
મિ.શ્રીનિવાસન બોલ્યા, ‘’અરે શું કામ ન બની શકે, દરેક જણે પોતાની લાઈફના CEO બનવું જ જોઈએ. જુઓ હું સમજાવું ..પહેલા મને કહો CEOનું કામ શું હોય છે ?? પોતાની કંપનીના લીડર બની પોતાની રીતે તેને ચલાવવી અને આગળ વધારવી બરાબર. તો પછી બધાએ પોતાની લાઈફના CEO બની પોતાની લાઈફના દરેક નિર્ણય પોતે લઈને પોતાની રીતે આગળ વધારવી જોઈએ કોઈ પર આધાર રાખવાની કે કોઈ કહે તેમ ચલાવવાની જરૂર નથી.’’
બધાને મિ. શ્રીનિવાસનની વાતમાં રસ પડ્યો. તેઓ આગળ બોલ્યા, ‘’એક CEO પોતાની કંપની માટે કામ કરવા માણસો પસંદ કરે છે અને દરેક માણસને તેમની લાયકાત અને હોશિયારી પ્રમાણે કામ સોંપે છે તે નક્કી કરે છે કોને કામ આપવું..કોને કામ ન આપવું…કોને કાઢી મુકવા..કોને આગળ વધારવા..કોને પ્રમોશન આપવું કે કોને પરમેનન્ટ કરવા વગેરે વગેરે. આ જ રીતે તમે બધા જ તમારી લાઈફના CEO બની જીવનમાં જે માણસો મળે તેમને જેવા છે તેવા સ્વીકારો અને સમજો પછી તેઓ જે સ્થાન અને જે કામને, જે માનને લાયક હોય તે પ્રમાણે તેમને તમારા જીવનમાં સ્થાન આપો. જે સ્થાન આપવાને લાયક ન હોય તેમનાથી દુર રહો..તમારા જીવનમાં કોણ કયા રહેશે, કોણ કાયમી સાથ આપશે, કોનાથી તમે દુર રહેશો, કોની સાથે સંબંધો ગાઢ થશે તે બધું તમે જ નક્કી કરો. તમારા જીવનના તમે જ બનો CEO સમજ્યા.’’ બધાએ તાળીઓ સાથે મિ.શ્રીનિવાસનની વાત વધાવી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.