Sports

પાકિસ્તાની ક્રિકેટર રિઝવાનને મેદાન પર નમાઝ અદા કરવું પડ્યું ભારે, ICCમાં નોંધાઇ ફરિયાદ

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની (Mohammad Rizwan) મુશ્કેલીઓ વધી શકે છે. ઓડીઆઈ વર્લ્ડ કપ 2023માં (World Cup 2023) નેધરલેન્ડ સામેની મેચ દરમિયાન મેદાન પર નમાઝ (Namaz) વાંચવા બદલ રિઝવાન વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદકર્તા ભારતીય સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિન્દાલે ICCને પત્ર લખ્યો છે કે રિઝવાને હૈદરાબાદમાં નેધરલેન્ડ્સ સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન મેદાન પર નમાઝ અદા કરી હતી, જે “મેચની ભાવના” પર પ્રશ્નો ઉભા કરે છે.

વકીલ વિનીત જિંદાલે ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેને મોકલેલા પત્રમાં લખ્યું છે કે આ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાન વિશેની ફરિયાદ છે, જેને 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં નેધરલેન્ડ વિરુદ્ધ વર્લ્ડકપની મેચ દરમિયાન મેદાન પર નમાજ અદા કરતા જોવામાં આવ્યો હતો. ક્રિકેટના મેદાનમાં ઘણા ભારતીયો વચ્ચે નમાઝ પઢવાનું મોહમ્મદ રિઝવાનનું કૃત્ય તેના ધર્મનું ઇરાદાપૂર્વકનું ચિત્રણ છે, જે રમતની ભાવનાની વિરુદ્ધ છે.

વકીલે પોતાની ફરિયાદમાં વધુમાં લખ્યું છે કે મોહમ્મદ રિઝવાને જાણીજોઈને પોતાના ધર્મનું ચિત્રણ કર્યું, જે રમતની ભાવનાની વિરુદ્ધ છે. રિઝવાન આમ કરવાથી મેચ રમતી વખતે ખેલાડી જે વિચારધારાને અનુસરે છે તેના પર સવાલો ઉભા થાય છે. ઇરાદાપૂર્વક પોતાનો ધર્મ દર્શાવવાનું રિઝવાનનું કૃત્ય તે એક મુસ્લિમ હોવાનો સંદેશ આપવાનો તેનો ઇરાદો દર્શાવે છે. રિઝવાન મેદાનની વચ્ચે નમાઝ વાંચતો જોવા મળ્યો હતો, જ્યારે તેના સાથી ખેલાડીઓ બ્રેક દરમિયાન ડ્રિંક્સની રાહ જોઈ રહ્યા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર તેની પોસ્ટ પર વિવાદ ઉભો કર્યા પછી રિઝવાન સામે નોંધાયેલી આ બીજી ફરિયાદ છે, જેમાં તેણે શ્રીલંકા સામેની તેની સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી.

Most Popular

To Top