સુરત(Surat): ઇચ્છાપોરના ભાટપોર ગામમાં ગરબા (Garba) જોઈ પરત ફરતા ત્રણ મિત્રોને (Friends) રસ્તામાં અકસ્માત (Accident) નડતા એકનું મોત (Death) નીપજ્યું હતું. જ્યારે બે જણા ને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. મૃતક અરુણ સર્વિસ સ્ટેશનમાં કામ કરતો હોવાનું અને બે બહેનો નો એક નો એક ભાઈ હોવાની વિગતો જાણવા મળી છે. રાઠોડ પરિવારનો પહેલો નોરતો માતમમાં ફેરવાતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
સુરત સિવિલ હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય મિત્રોને ગંભીર હાલતમાં 108માં સારવાર માટે લવાયા હતા. જેમાં અરુણ નામના યુવકને કોઈ સારવાર મળે એ પહેલાં જ તેને મૃત જાહેર કરાયો હતો. પરિવાર ઘટનાની જાણ બાદ સિવિલ દોડી આવતા દીકરાનો મૃતદેહ જોવા આઘાતમાં ચાલી ગયો હતો.
સાવંત રાઠોડ (બનેવી) એ જણાવ્યું હતું કે અરુણ ઈશ્વર રાઠોડ (ઉં.વ. 21) અડાજણ શિવધારા નજીકના SMC આવાસમાં રહેતો હતો. નિવૃત પિતાનો આર્થિક સહારો હતો. બે બહેનોનો એકનો એક ભાઈ હતો. અરુણ સર્વિસ સ્ટેશનમાં કામ કરતો હતો. ઘટનાની જાણ બાદ પરિવાર જ નહીં પણ મિત્રોએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
વધુમાં જણાવ્યું હતું કે રવિવારથી શરૂ થયેલી નવરાત્રી ને લઈ સવારથી જ મિત્રો સાથે ગરબા રમવા જવાનું આયોજન કરી રહ્યો હતો. દર વર્ષે ભાટપોર ગામ રમવા જતો હોવાથી કાલે પણ ત્યાં જ ગયો હતો. ત્રણ સવારી બાઇક પર પરત ફરતા ભાટપોર નજીક જ બાઇક સ્લીપ ખાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પણ અરુણ નું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.