અમદાવાદ: (Ahmedabad) ભારત પાકિસ્તાન (India Pakistan) વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ ચાલી રહી હતી. પાકિસ્તાન પ્રથમ દાવ લઈ રહ્યું હતું, સાંજે 5-00 વાગ્યા સુધી પાકિસ્તાન ઓલ આઉટ થાય એટલામાં તો સ્ટેડિયમમાં 500થી વધુ લોકોની તબિયત લથડી હતી. જેમાંથી 10 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 108 ઈમરજન્સી સર્વિસને સ્ટેડિયમમાંથી જ 150 કોલ મળ્યા હતા.
- ભારત-પાક. મેચમાં સૌથી વધુ વિકેટ ગરમીએ પાડી, 500થી વધુ પ્રેક્ષકોને બીમાર પાડ્યા
- ભારે ભીડ વચ્ચે ઉકળાટને કારણે સેંકડો પ્રેક્ષકોને ડીહાઈડ્રેશન, ચક્કર આવવા, ધ્રુજારી, નબળાઈ જેવી સમસ્યા સર્જાઈ
- 108 ઈમરજન્સીને સ્ટેડિયમમાંથી જ 150થી વધુ કોલ મળ્યાં, 10 પ્રેક્ષકોને હોસ્પિટલ ખસેડવા પડ્યા
અમદાવાદ ખાતે ભારત પાકિસ્તાનની મેચ ચાલી રહી હતી, ત્યારે ભારે ભીડને ધ્યાનમાં રાખીને સવારે દસ વાગ્યાથી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બપોરે મેચ શરૂ થઈ અને પાકિસ્તાન ઓલઆઉટ થાય ત્યાં સાંજે 5-00 વાગ્યા સુધીમાં સ્ટેડિયમમાં મેચ જોઈ રહેલા પ્રેક્ષકોમાંથી 500 લોકોને ચક્કર આવવા, ગભરામણ થવી, ડિહાઇડ્રેશન, ધ્રુજારી આવવી, માથાનો દુખાવો જેવી સમસ્યાઓને કારણે તબિયત લથડી હતી. 108ને ઇમરજન્સીના 150 જેટલા કોલ મળ્યા હતા, જેમાંથી 10 લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
ભારત પાકિસ્તાનની મેચ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા તેમજ ગરમી અને ઉકળાટને કારણે પ્રેક્ષકોની હાલત કફોડી બની હતી. જેમાં કેટલાકને ડીહાઈડ્રેશન થઈ જતા ગુંગળામણ અને ચક્કર આવતા બેહોંશ થયા હતા. આજે સવારથી વાતાવરણ વાદળછાયુ રહ્યું હતું, જેમાં અસહ્ય બફારો અને ઊકળાટ-ગરમીને કારણે પ્રેક્ષકો મુશ્કેલીમાં મુકાયા હતા.