સુરત: (Surat) મોટા વરાછામાં પ્રધાનમંત્રી આવાસો તૈયાર થઇ ગયાં અને લોકોએ લોન (Loan) લઇ નાણાં ભરી દીધા છતાં હજુ સુધી દસ્તાવેજ નહીં થતાં રહેવાની પરમિશન મળી નથી. આ મુદ્દે શુક્રવારે સુરત મહાનગર (SMC) પાલિકામાં વરાછા વિસ્તારના લોકો દ્વારા વિપક્ષી કોર્પોરેટર મહેશભાઈ અણઘણ અને રચનાબેન હિરપરાની આગેવાનીમાં મોરચો લાવી મેયરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.
- એક વર્ષથી રાહ જોતા મોટા વરાછા આવાસ યોજનાના લાભાર્થીઓને તાળાં તોડી ફ્લેટ સોંપી દેવા વિપક્ષની ચીમકી
- લાભાર્થીઓએ લોન કરી નાણાં ભરી દીધાં, પરંતુ દસ્તાવેજમાં વિલંબ થતાં હજુ ફાળવણી થઈ નથી
મહેશ અણઘડે જણાવ્યું હતું કે, ૨૦૦થી વધુ લોકોને મોટા વરાછા ખાતે ફાળવેલા આવાસમાં ૧ વર્ષથી લોન લઈ પૂરા રૂપિયા ભરી દીધા છે. તેમ છતાં પણ આવાસમાં રહેવા જવાની પરમિશન આપતા નથી. મહેશ અણઘણે જણાવ્યું હતું કે, એક તરફ લોકો લોનના હપ્તા ભરે છે. તો બીજી તરફ ભાડાના મકાનમાં રહીને ભાડું પણ ભરી રહ્યા છે. ત્યારે આ મોંઘવારીમાં લોકો વ્યાજ ભરે અને કોન્ટ્રાક્ટરના વિલંબના છતાં તેને મલાઈ એ ગેરવ્યાજબી કહેવાય. તંત્રને આવું કરવાનો કોઈ હક નથી.
શુક્રવારે ઉપનેતા મહેશ અણઘણ અને દંડક રચના હિરપરાની આગેવાનીમાં આ દસ્તાવેજ થાય કે ના થાય પણ ફ્લેટધારકોને રહેવા માટેની પરમિશન આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ૫ દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ફ્લેટનાં તાળાં તોડીને જે ફ્લેટધારકે પૂરા રૂપિયા ભરી દીધેલા છે તેમને સોંપી દેવાશે તેવી ચીમકી આપવામાં આવી હતી.
પાલનપુરમાં વાંચનાલય, ઉધનામાં ખાડી બ્રિજના અંદાજો મંજુર કરાયા
સુરત : રાંદેર ઝોનમાં ટી.પી. 8 (પાલનપુર), ફા.પ્લોટ નં.121 (રાજહંસ એપલની બાજુમાં પામ ગાર્ડનની નજીક) આવેલા સેલ ફોર કોમર્શિયલવાળા મનપાના રિઝર્વેશન પ્લોટમાં લાઇબ્રેરી બનાવવા માટેનાં સૂચનો આવ્યાં હોવાથી મનપા દ્વારા અહીં વાંચનાલય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ પ્લોટ સેલેબલ ફોર કોમર્શિયલ હોવાથી સરકારની સુચના મુજબ અહી વાંચનાલય માટે હેતુફેર નહીં કરવા માટેનો નિર્ણય કરતા પાલનપોર મીની વિરપુર ખાતેના પ્લોટમાં આંગણવાડી છે. તેને માટે કુલ રૂ.2.59 કરોડના ખર્ચનો અંદાજ જાહેર બાંધકામ સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો છે. જેને જાહેર બાંધકામ સમિતિમાં મંજુરી આપવામાં આવી હતી. આ લાઈબ્રેરીના કામ માટે વર્ષ 2023-24ના બજેટમાં આ પ્રોજેક્ટ માટે રૂ.10 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકામાં વર્ષ-2020માં થયેલા શહેરી હદ વિસ્તરણ બાદ સુરત શહેરનું કુલ ક્ષેત્રફળ 326 ચો. કિ.મી.થી વધીને અંદાજિત 462 ચો.કિ.મી. જેટલું થયું છે. ઉધના ઝોન વિસ્તારનું ક્ષેત્રફળ વધીને 84,038 ચો.કિ.મી. થયું છે. જેને કારણે ઉધના ઝોનનું ઉધના ઝોન-એ અને ઉધના ઝોન-બી એમ બે ઝોનમાં વિભાજન થયું છે. ઉધના ઝોનમાં વસ્તી ઉપરાંત જીઆઈડીસી, એમ્બ્રોઈડરી, ડાઈંગ મિલોના ઉદ્યોગ પણ વિકસ્યા હોય, 15 લાખ જેટલી વસ્તી ધરાવતા ઉધના ઝોન વિસ્તારમાં પરિવહન માટે નવી કનેક્ટિવિટીઓ ઊભી કરવી અનિવાર્ય હોય, ડ્રા.ટી.પી.સ્કીમ નં.59 (ઉન)માં 18 મીટર તથા 24 મીટરના રસ્તા પરથી અન્ય મુખ્ય માર્ગો પર કનેક્ટિવિટી મળી રહે તે માટે વારંવાર રજૂઆતો પણ થઈ હતી. જેને લઈ અહીં ખાડી બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે જાહેર બાંધકામ સમિતિમાં રૂ.9.64 કરોડના અંદાજને મંજુરી આપવામાં આવી છે. આ બ્રિજનું નિર્માણ થવાથી ઉન વિસ્તારમાંથી 60 મીટરના સુરત નવસારી મેઈન રોડ તરફે તેમજ 90 ડી.પી. રોડ સચિન તરફનો વાહનવ્યવહાર ઝડપી બનશે તેમજ ખાડી કાંઠાના વિસ્તારોને નવી કનેક્ટિવિટી મળશે.