SURAT

વરાછાવાસીઓ માટે માઠા સમાચાર, આકરી ગરમીમાં પાણી માટે વલખાં મારવા પડશે

સુરત(Surat) : ભાદરવાની આકરી ગરમી (Heat) વચ્ચે વરાછાવાસીઓ (Varacha) માટે માઠા સમાચાર આવ્યા છે. સુરત મનપા (SMC) દ્વારા એક દિવસનો પાણી કાપ (Water Supply Cut) કરવામાં આવનાર છે, જેના લીધે વરાછાના લાકોએ ગરમીમાં તરસ્યા રહેવાની નોબત આવી શકે છે.

  • સુરત મનપા દ્વારા વરાછા ઝોનમાં 13 ઓક્ટોબરે પાણી કાપ
  • સુરત મનપાએ વરાછાવાસીઓને પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી
  • પાણીની લાઈનના રિપેરિંગ અને નવીનીકરણના કામના લીધે પાણી સપ્લાય બંધ કરાશે

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગર પાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા પાણીની લાઈનનું રિપેરિંગ તથા તેના નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતગર્ત પાલિકાના વરાછા ઝોનમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં આગામી તા. 13 ઓક્ટોબરના રોજ એક દિવસ માટે પાણી કાપ રહેશે.

13 ઓક્ટોબરે વરાછા ઝોનમાં પાણી સપ્લાય થશે નહીં. 14મી ઓક્ટોબરે પાણી પુરવઠો અંશત: ઓછા પ્રેશરથી આપવામાં આવશે. તેથી પાલિકા દ્વારા વરાછા ઝોન વિસ્તારમાં આવેલા મોટા વરાછા ગામ તળ તથા અન્ય કેટલાંક વિસ્તારોના લોકોને પાણીનો સંગ્રહ કરી લેવા સૂચના આપવામાં આવી છે.

જ્યુબિલિ ગાર્ડન પાસેની ઓવરહેડ ટાંકીમાં રિપેરિંગ કામ કરાશે
સુરત મનપાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા વરાછા મેઈન રોડ પર જ્યુબિલિ ગાર્ડન પાસે આવેલી ઓવરહેડ ટાંકી ખાતેની ઈનલેટ લાઈન અને ડિસ્ટ્રીબ્યુશન લાઈનનું રિપેરિંગ તેમજ નવીનીકરણ કરવાની કામગીરી કરવામાં આવનાર છે. આ કામ લગભગ 18થી 24 કલાક ચાલશે. જેના લીધે જ્યુબિલિ ગાર્ડન પાસે આવેલી ઓવરહેડ ટાંકી ઈએસઆર-એમ3માંથી સપ્લાય થાય છે તે વિસ્તારોમાં પાણીકાપ રહેશે.

આ વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે
સુરત મનપાની કામગીરીના લીધે મોટા વરાછા ગામતળ, મોટા વરાછા કબ્રસ્તાનથી અબ્રામા ચેક પોસ્ટ સુધી તથા મોટા વરાછા કબ્રસ્તાનથી સવજી કોરાટ બ્રિજ સુધીના સમગ્ર વિસ્તાર તેમજ રાધે ચોકથી રામચોક સુધીનો સમગ્ર વિસ્તાર ઉપરાંત પેડર રોડની તમામ સોસાયટીઓમાં પાણી કાપની અસર જોવા મળશે, જેના લીધે પાલિકાએ લોકોને જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી છે.

Most Popular

To Top