સુરતની વસતિ અત્યારે અંદાજે 70 લાખની આજુબાજુ પહોંચી ગઇ છે. આવડી મોટી વસતિને પાણી, વીજળી, ગટર, ડ્રેનેજ, રોડ, રસ્તા, આરોગ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા માટે સુરત મહાનગરપાલિકા સખત કામ કરી રહી છે. પણ જો આ વસતિ ધીમે ધીમે ઓછી થાય તો મહાનગરને થોડી હાશ તો થાય જ. આ સ્થિતિએ આ વસતિને ઓછી કરવાનું કામ શહેરમાં બેફામપણે દોડતી વાદળી, લાલ તથા પોપટી કલરની બસોના ડ્રાઇવરો કરી રહ્યા છે. એક દિવસ એવો નહિ હોય કે આ બસોની અડફટે ચઢીને કોઇ વ્યકિત છુંદાઇને મરી ગઇ નહિ હોય. એમાંયે બીઆરટીએસ રૂટમાં દોડતી બસોના ડ્રાઇવરોને જાણે પરવાનો મળી ગયો લાગે છે કે બસના રૂટમાં આવનારને બસની ઝડપ ઓછી કરીને કયારેય બચાવી લેવો જોઇએ જ નહિ.
બસ ધીમી હાંકીને બ્રેક મારીને વ્યકિતને બચાવી શકાય તો પણ એમ કરવાનું એ બસોના ડ્રાઇવરોને ફાવતું જ નથી. અહીંયા બીઆરટીએસ બસના રૂટમાંથી પસાર થનાર વ્યકિતઓનો બચાવ કરવાનો કોઇ ઇરાદો નથી. એ એમની ભૂલ તો છે પણ જો ડ્રાઇવરો, બસની ગતિને નિયંત્રણમાં રાખીને ડ્રાઇવ કરે તો રસ્તે ચાલનારી ઘણી વ્યકિતઓ જરૂર બચી જઇ શકે છે. પણ એમને લાગે છે કે પેલું વસતિ ઓછું કરવાનું અભિયાન જે સી.ટી. બસના ડ્રાઇવરો કરી રહ્યા છે એને મોળું અર્થાત્ ધીમું પાડવાના મૂડમાં ડ્રાઇવરો લાગતા નથી અને મહાનગરપાલિકાના શાસકો તો પછી ડ્રાઇવરોને બસો ધીમે હાંકવા કહે જ શા માટે? કારણ કે પેલી મૂળભૂત બાબત, વસતિ ઘટાડોનો ઉદે્શ પણ સિધ્ધ તો થવો જ જોઇએ ને?
સુરત – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.