સુરતઃ છેલ્લાં કેટલાંય સમયથી સુરતનો (Surat) કાપડ ઉદ્યોગ (Textile Industry) મંદીનો સામનો કરી રહ્યો છે. હવે તહેવારોની (Festival) સિઝન શરૂ થઈ છે ત્યારે વેપારીઓને સારા વેપારની (Traders) અપેક્ષા છે. તહેવારો સામે વેપારીઓને ફાયદો થાય તે માટે સુરતના કાપડના વેપારીઓના સંગઠન ફેડરેશન ઓફ ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશને (FOSTTA) મહત્ત્વનો નિર્ણય લીધો છે.
- વેપારીઓના ફાયદા માટે સુરતના કાપડના વેપારીઓના સંગઠને મહત્ત્વનો નિર્ણય લીધો
- આગામી દીવાળીના તહેવાર સુધીના તમામ રવિવારના રોજ પણ પાર્સલ ડિસ્પેચ કરી શકાય તે માટે તમામ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો ખુલ્લી રાખી શકાશે
સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં હાલમાં દીવાળી અને લગ્નસરાની ખરીદી નીકળી છે. વેપારીઓને સ્થાનિક ઉપરાંત બહારગામના માર્કેટોમાંથી પણ સારા ઓર્ડર મળી રહ્યા છે. ત્યારે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન(ફોસ્ટા) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હાકિમ અને મહામંત્રી દિનેશ કટારીયાએ એક યાદીમાં જણાવ્યું છે કે, હાલમાં ટેક્સટાઇલ માર્કેટમાં દીવાળી અને લગ્નસરાની ખરીદી ચાલી રહી છે. આ સીઝનને ધ્યાનમાં રાખીને આગામી દીવાળીના તહેવાર સુધીના તમામ રવિવારના રોજ પણ પાર્સલ ડિસ્પેચ કરી શકાય તે માટે તમામ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો ખુલ્લી રાખી શકાશે.
આ નિર્ણય વેપારીઓ અને માર્કેટ સંગઠનના અગ્રણીઓ સ્વેચ્છીક રીતે નિર્ણય લઇ શકશે. એટલે કે આગામી તારીખ 12.11.2023ને રવિવાર સુધીના દિવસમાં આવતા તમામ રવિવારે માર્કેટના વેપારીઓ દુકાન ખુલ્લી રાખીને કામગીરી કરી શકશે. ઉપરાંત એવુ પણ જણાવાયું છે કે, આ અંગે તમામ વેપારીઓ પોતાના આડતિયા, એજન્ટ અને સુરતના દુકાનદારો પોતાના સ્થાનિક તેમજ બહારગામના વેપારીઓને પણ જાણ કરે જેનાથી તેઓ ખરીદી માટે આવી શકે. આ નિર્ણયને કારણે ખરીદી માટે બહારગામથી આવતા વેપારીઓને પણ સગવડતા રહેશે એવુ ફોસ્ટાના મહામંત્રી દિનેશ કટારિયા દ્વારા જણાવવામાં આવ્યુ છે.