બીલીમોરા: (Bilimora) બીલીમોરા-ચીખલી માર્ગ (Road) નાંદરખા ઘાંચીવાડ ત્રણ રસ્તા ઉપર માર્ગ ઉપર દોડતાં ડમ્પરમાં આગ લાગી ગઈ હતી. મંગળવાર સવારે ૧૧:૩૦ કલાકે આ ઘટના બની હતી. દોડતા ડમ્પરમાં આગ (Fire) લાગતા રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. સદ્નસીબે આ જ સમયે ત્યાંથી પાણીનું ટેન્કર (Water Tanker) પસાર થઈ રહ્યું હતું. જેની મદદથી મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી.
- બીલીમોરા-ચીખલી માર્ગ ઉપર દોડતા ડમ્પરમાં આગ ભભૂકી, ચાલક કેબિનમાં ફસાયો
- દોડતા ડમ્પરમાં આગ લાગતા રોડ પર અફરાતફરી મચી ગઈ, મોટી દુર્ઘટના ટળી
ચીખલી તરફ જતા ડમ્પર નં. જીજે ૦૩ બીવાય ૮૮૭૬ માં ટેક્નિકલ કારણ સર્જાતા હાઇડ્રોલિક ઓઇલ ટેન્કમાં આગ લાગી હતી. ડમ્પર ચાલકએ સમયસૂચકતા વાપરી નાંદરખા ઘાંચીવાડ ફાંટા ઉપર ડમ્પર થોભાવી દીધું હતું. તે દરમિયાન ચીખલી તરફ જતા મીઠા પાણીનાં ટેન્કર નં. એમ એચ ૧૨ એચડી ૪૮૭૨ નો ચાલક મદદે આવ્યો હતો. ઘડીનો વિલંબ કર્યા વિના પાઇપથી પાણી છાંટવાનું શરૂ કર્યું હતું. દરમિયાન ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાતા તેણે સામેનો કાચ તોડી આગને કાબુમાં લેતી વખતે તેની મદદે આવેલા અન્ય યુવાનને હાથમાં કાચ વાગી ગયો હતો. બીલીમોરા પાલિકાનું ફાયર ફાયટર ધસી આવતા આગ ઉપર કાબુ કરી લેવાયો હતો. બીલીમોરા પોલીસે ટ્રાફિક કન્ટ્રોલ કરી આવાગમન શરૂ કરાવ્યુ હતું.
બીલીમોરામાં બે આખલાની લડાઈમાં સીંગદાણાની દુકાનનો ખો નીકળી ગયો
બીલીમોરામાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય વધી ગયો છે. મંગળવારે બપોરે એસટી ડેપોની સામે આવેલી હિતેશભાઈ ઓમપ્રકાશ શ્રીવાસ્તવની સીંગદાણાની દુકાનમાં રસ્તા પર લડતા આંખલાએ ભારે તોડફોડ મચાવી હતી. જેને પરિણામે દુકાન બહાર મુકેલા સીંગદાણાનો મોટો જથ્થો વેરવિખેર કરી નાખતા મોટું આર્થિક નુકસાન પોહચ્યું છે.
આ તો લડતાં આખલાઓએ દુકાનને અડફેટે લીધી હતી તેના બદલે જો કોઈ રાહદારી અડફેટે આવી જાય તો તેની શું દશા થાય તે વિચારથી કંપારી છૂટે છે. પાલિકા થોડો દેખાડો કરીને આવા ઢોરોને પકડે છે અને પછી પાછું રામ ભરોસે મોટી સંખ્યામાં આવા પશુઓ બીલીમોરાના રાજમાર્ગો ઉપર આડેધડ બેસી કે દોડાદોડ કરીને લોકોના માથે મોટું જોખમ ઉભું કરે છે પણ તેને રોકવા કે નિયંત્રણમાં રાખવાના કોઈ જ પગલાં નગરપાલિકા ભરતી નથી.