નવી દિલ્હી: ચીનમાં (China) યોજાયેલ એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) સમાપ્ત થઈ ગઈ છે. આ ગેમ્સના સમાપન સમારોહમાં (Closing Ceremony) ભારતીય હોકી ટીમનો (Indian Hockey Team) ગોલકીપર પીઆર શ્રીજેશ ધ્વજવાહક બન્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ભારતે (Inida) કુલ 107 મેડલ જીત્યા અને નવો ઈતિહાસ રચ્યો છે. આ પહેલા ભારતે એશિયન ગેમ્સના ઈતિહાસમાં ક્યારેય આટલા મેડલ જીત્યા ન હતા. સમાપન સમારોહ બાદ ખેલાડીઓ ભારત પરત ફર્યા છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે 4:30 વાગ્યે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે હાંગઝોઉ એશિયન ગેમ્સ 2023માં ભાગ લઈને પરત ફરી રહેલા ભારતીય દળને મળ્યા હતા. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. આ અવસર પર વડાપ્રધાન ખેલાડીઓને તેમની અસાધારણ સિદ્ધિ માટે માત્ર અભિનંદન જ નહીં પરંતુ તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી છે. તેમણે કહ્યું કે હું ખુશ છું કે ભારતે સારું પ્રદર્શન કર્યું છે અને આ દર્શાવે છે કે અમારી દિશા અને સ્થિતિ બંને યોગ્ય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું 140 કરોડ ભારતીયો વતી તમારા બધા (એથ્લેટ્સ)નું સ્વાગત કરું છું. તમારી મહેનત અને સિદ્ધિઓના કારણે દેશભરમાં ઉજવણીનો માહોલ છે. આપણા દેશમાં પ્રતિભાની ક્યારેય કોઈ કમી નહોતી, પરંતુ અનેક અવરોધોને કારણે આપણા એથ્લેટ્સ તેમની પ્રતિભાને મેડલમાં બદલી શક્યા ન હતા. ખેલો ઈન્ડિયાએ ખેલાડીઓને તૈયાર કરવાનું કામ કર્યું. એશિયન ગેમ્સ 2023માં ભારતે કુલ 107 મેડલ જીત્યા જેમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ સામેલ છે. મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને છે. એશિયન ગેમ્સમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
ભારતે 19મી એશિયન ગેમ્સમાં ઘોડેસવારી અને બેડમિન્ટન (પુરુષ સિંગલ્સ) જેવી રમતોમાં ઈતિહાસ રચ્યો હતો. અનુષ અગ્રવાલ, દિવ્યકૃતિ, સુદીપ્તિ હજેલા અને હૃદય વિપુલની ભારતીય ટીમે ટીમ ડ્રેસેજ ઈવેન્ટમાં 209.205નો સ્કોર કરીને 41 વર્ષમાં ઘોડેસવારીમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટોચના શટલર એચએસ પ્રણોયે બેડમિન્ટનમાં મેડલ જીતીને અજાયબી કરી બતાવી હતી.