પેટલાદ : પેટલાદની એચડીએફસી બેન્કના છ જેટલા કર્મચારીઓએ ભેગા મળી ખાતેદારોના નામે ગ્રુપ લોનના નામે રૂપિયા ઉપાડી લીધા હતા. બાદમાં આ રકમના નિયમિત હપ્તા ભરતા હતા. આ મામલે ભાંડો ફુટતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આ અંગે પેટલાદ શહેર પોલીસે 6 શખ્સ સામે ગુનો નોં€ધી 5ની ધરપકડ કરી હતી.
પેટલાદ ખાતે આવેલી એચડીએફસી બેન્કમાં અર્જુન બચુભાઈ નાયક (રહે. અમીયાદ), ધિરેન્દ્ર ભુપેન્દ્ર જાદવ (રહે.વાલવોડ), ઘનશ્યામ મનુ સોલંકી (રહે. પેટલાદ), રજનીકાંત બાબુ મકવાણા (રહે.રૂપિયાપુરા), હિતેષ પંકજ પરમાર (રહે. ઢુંડાકુવા) ફિલ્ડ સેલ્સ ઓફિસર તરીકે એટલે કે મહિલાઓના ગ્રુપ બનાવવાનું તથા લોન વિશે માહિતી આપવાનું, લોનની પ્રોસેસ કરાવવાનું કામાકજ કરે છે. જ્યારે નિલય મણીલાલ ચૌધરી (રહે. કાનપુર, તા. ઇડર) રીલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરતા હતા.
આ નિલયને રીલેશનશીપ મેનેજર તરીકે ફિલ્ડ સેલ્સ ઓફિસર તરીકે કામ કરતા માણસો કસ્ટમરની લોનની પ્રોસીઝર સારૂ જે પણ કાગળો લાવે તે લોન સારૂ નિલય ચૌધરી કસ્ટમરના ઘરે જઇને તપાસ કરવાનું કામકાજ કરતા હતા. આ ઉપરાંત બેંકમાં કસ્ટમરની લોન મંજુર બેંકના ક્રેડિટ ફિલ્ડ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરતા સાજીદ મલેક કરે છે. દરમિયાનમાં સપ્ટેમ્બર-2022ના રોજ બેંકના કલ્સ્ટર હેડ અર્પીત મહેશભાઈ પંચાલ (રહે. અમદાવાદ) તારાપુરના મોભા ગામમાં ગયાં હતાં.
જ્યાં તેઓએ સાંઇબાબા એચબીજીના સભ્યોની મુલાકાત લીધી હતી. તે સમયે ગ્રુપના સભ્ય રમીલાબહેન રણજીતસિંહ ગરાસીયાએ લોન ક્લોઝરનું સર્ટીફિકેટ રજુ કર્યું હતું. જે પ્રથમ દ્રષ્ટિએ જ બોગસ હોવાનું જણાયું હતું. કારણ કે એનઓસી સર્ટીફિકેટમાં બેંકનો લોગો નહતો. જેથી સિસ્ટમમાં ચેક કરતાં સાંઈબાબા એચબીજી મો ગ્રુપની લોન બાકી નિકળીહ તી. જેથી એનઓસી સર્ટીની તપાસ કરતા કોરા કાગળ પર ટાઇપ કરી બેંકના રીલેશનશીપ મેનેજર નિલય ચૌધરીએ પોતાના હોદ્દાનો સિક્કો તથા સહી કરીને આપ્યું હતું.
આમ, નિલય ચૌધરી બેંકના લોન ક્લોઝરના ઓથોરાઇઝ પર્સન ન હોવા છતાં પોતાના નામના હોદ્દાના સહી સિક્કા કરી આપ્યાં હતાં. આથી, બેન્કને શંકા જતાં બેંકે આપેલા તમામ ગ્રુપ લોનના સભ્યોની તપાસ કરતાં નિલય ચૌધરીએ પોતાના નામની સહી – સિક્કાવાળી ખોટી એનઓસી આપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે, પોતે લોનના હપ્તા પણ ગ્રાહકો પાસેથીલઇ તેઓને પોતાના નામના સહી સિક્કા વાળી ખોટી રીસીપ્ટો આપી તે પૈસા પણ બેંકમાં જમા કરાવ્યાં નહતાં. આ અંગે ઊંડી તપાસ કરતાં બીજા ગ્રાહકોને મળતાં લોનના હપ્તા કલેક્ટર કર્યાની પહોંચ પણ જોવા મળી હતી.
જે ગ્રાહકોને બતાવેલી જે આધારે સીસ્ટમમાં ચેક કરતા તમામ ગ્રાહકોના હપ્તા ભરવાના બાકી હતા. જેથી બેંકના ફિલ્ડ સેલ્સ ઓફિસર તરીકે નોકરી કરતા નાયક અર્જુન બચુ, ધિરેન્દ્ર ભુપેન્દ્ર જાદવ, ઘનસ્યામ સોલંકી, રજનીકાંત મકવાણા, હિતેષ પરમારે ગ્રુપ લોનના સભ્યો પાસેથી ખોટી રીતે માસીક હપ્તા મેળવી ગ્રાહકોને પોતાના નામની સહી સિક્કાવાળી ખોટી રીસીપ્ટો આપી ગ્રાહકો પાસેથી લોનના હપ્તાના પૈસા મેળવી બેંકમાં જમા નહીં કરાવી પોતાના અંગત ફાયદા સારૂ ઉપયોગ કર્યો હોવાનું જણાયું હતું. આ તપાસ અંતે કુલ રૂ.44,06,964ની છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું હતું. આ અંગે પેટલાદ શહેર પોલીસ મથકે અર્પીત પંચાલે પરિયાદ આપતા પોલીસે અર્જુન નાયક, ધિરેન્દ્ર જાદવ, ઘનશ્યામ સોલંકી, રજનીકાંત મકવાણા, હિતેષ પરમાર, નિલયકુમાર ચૌધરી સામે ગુનો નોંધી 5ની ધરપકડ કરી હતી.