સુરત: (Surat) ઇચ્છાનાથ ખાતે ફ્લેટ ભાડે રાખીને મુંબઈ, કલકત્તા અને દિલ્હીની (Delhi) યુવતીઓ પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હતો. ગ્રાહકો પાસેથી 5 હજાર લઈને લલનાઓને 2 હજાર આપી ચાલતા કુટણખાના (Brothel) પર પોલીસે (Police) દરોડા પાડ્યા હતાં અને 4 લલના, 4 ગ્રાહક અને એક સંચાલકની ધરપકડ કરી છે. 3 સંચાલકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
- પોશ વિસ્તાર ઈચ્છાનાથના ફ્લેટમાં દેહવેપારનું રેકેટ: ચાર લલના, 4 ગ્રાહક ઝડપાયા
- બાતમીને આધારે AHTUના દરોડા, એક સંચાલક ઝબ્બે, ત્રણ પાર્ટનરને વોન્ટેડ જાહેર કરાયા
- મુંબઈ, દિલ્હી, કોલકાતાથી યુવતીઓને બાય એર લવાતી, ગ્રાહકો પાસે 5000 વસૂલી યુવતીઓને 2000 અપાતા
એએચટીયુની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉમરા પોલીસની હદમાં સોમનાથ મહાદેવ, ઇચ્છાનાથ, નેહરૂનગરની પાછળ, શિવમ એપાર્ટમેન્ટના પહેલા માળે ફ્લેટ ભાડે રાખીને, ફ્લેટમાં મહિલાઓને રાખીને તેમની પાસે દેહવેપાર કરાવવામાં આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી, ગ્રાહકને 5 હજાર ચુકવવાનું કહેતા પહેલા છોકરીઓના ફોટો મંગાવી બતાવવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે રેઈડ કરતા ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો. અંદર બે મહિલાઓ બેસેલી હતી, સોફા ઉપર ત્રણ જણા બેસેલા હતા. ફ્લેટમાં મળેલા વ્યક્તિનું નામ પુછતા પોતે ત્યાં રસોઈ કરતો હોવાનું અને તેનું નામ વિકાસ કિશોરજી ગીરી (ઉ.વ.19, રહે શિવમ એપાર્ટમેન્ટ અંબાજી મંદિર પાસે) અને ફ્લેટની દેખરેખ રાખનાર બીજા વ્યક્તિએ પોતાનું નામ ગંગારામ ધનીરામ ગોસ્વામી (ઉ.વ.22) હોવાનું જણાવ્યું હતું.
તે ગ્રાહકો પાસેથી પૈસા લઈને લલનાઓ પાસે મોકલતા હતા. ગંગારામની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેના શેઠો જયેશભાઈ કાઠીયાવાડી, રાજ અને રાહુલે આ ફ્લેટ ભાડે રાખ્યો હતો અને તેને મેનેજર તરીકે 13 હજાર પગાર આપતા હતા. જે પૈકી રાજુ ખોડાભાઈ મિઠાપરા (રહે. સાગરસંકુલ પીરામીડ ટાઉનશીપ જહાંગીરપુરા) ત્યાં હાજર મળી આવ્યો હતો અને તેના પાર્ટનરો સાથે ફ્લેટ ભાડે રાખીને કુટણખાનું ચલાવતો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. ગ્રાહક દીઠ લલનાઓને 2 હજાર આપીને 3 હજાર પોતે રાખતા હતા. ત્યાંથી મળી આવેલી ચારેય મહિલાઓને પુછતા ટેક્ષી ડ્રાઈવર ચેતન, પ્રદિપ અને મીતેષ એરપોર્ટ કે તેમના શહેરથી પીકઅપ કરી ફ્લેટમાં લાવવાની વ્યવસ્થા કરતા હતા. આ મહિલાઓ દિલ્હી, મુંબઈ અને કલકત્તાની રહેવાસી છે. પોલીસે એક સંચાલક, 4 ગ્રાહકો, 4 લલનાઓને પકડી પાડ્યા છે, જ્યારે જયેશ, રાજ અને રાહુલ નામના ત્રણ સંચાલક પાર્ટનરોને વોન્ટેડ જાહેર કરાયા છે.