Gujarat Main

મોડાસામાં વીજતાર અડતાં 150 બકરાં ભરેલો ટ્રક સળગ્યો, બાળક સહિત ત્રણ ભડથું થયા

મોડાસા (Modasa): રાજ્યના મોડાસામાં ગોઝારી ઘટના બની છે. અહીંના બામણવાડ પાસે એક ટ્રકમાં ભીષણ આગ (Truck Fire) લાગતા એક બાળક સહિત ત્રણ વ્યક્તિ બળીને ભડથું થઈ ગયા હતા. આ ટ્રકમાં 150 ઘેટાં-બકરાં હતા તે પણ બળીને ખાખ થયા છે. આ ટ્રક દોડી રહી હતી ત્યારે વીજતાર અડી જતા તે સળગી હતી. મોડાસાની બે ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સોમવારે સવારે અરવલ્લીના મોડાસા તાલુકામાં ચોંકાવનારી દુર્ઘટના બની હતી. અહીંના બામણવાડ પાસે ટ્રકમાં આગ લાગી હતી. જેમાં એક બાળક સહિત ત્રણ લોકો ભડથું થયા હતા.

આજે સવારે મોડાસા તાલુકાના શામળાજી હાઈવે પાસે આવેલા બામણવાડ ગામ પાસેથી ઘેટાં બકરા ભરેલો એક ટ્રક પસાર થતો હતો. ત્યારે ટ્રક ઓવરહેડ જીવંત વીજતારને અડકી ગયો હતો. જેના લીધે ટ્રકમાં કરંટ પસર્યો હતો અને થોડી જ ક્ષણોમાં ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. બકરાં ભરેલી ટ્રકની બોડી ચુસ્ત હોય છે. આગ લાગવા સાથે જ ટ્રકમાં તે ફેલાઈ ગઈ હતી.

ટ્રક સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી. આ સાથે જ ટ્રકમાં ભરેલા 150 ઘેટાં બકરાં કરંટ લાગ્યા બાદ ફાટી નીકળેલી આગમાં બળીને ભડથું થઈ ગયા હતા. બકાર સાચવવા માટે ટ્રકમાં બેઠેલાં એક બાળક સહિત ત્રણ લોકો પણ બકરાંની સાથે જ બળી ગયા હતા. ત્રણેયના ત્યાં જ મોત થયાં હતાં.

ઘટનાની જાણ થતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગના જવાનો દોડી ગયા હતા. ફાયર વિભાગના અધિકારી હેમરાજસિંહ વાઘેલાના જણાવ્યા અનુસાર બે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગને કાબુમાં લેવાના પ્રયાસ થયા હતા. મોડાસા અને ટીંટોઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટના કેવી રીતે બની તેની તપાસ શરૂ કરાઈ છે.

Most Popular

To Top