સુરત: (Surat) લિંબાયતમાં ટપોરીઓ હવે ખાખીને લલકારી રહ્યા હોય તેવો કિસ્સો બન્યો છે. ગઈકાલે મોડીરાત્રે શાંતિનગર શાકભાજી માર્કેટ (Vegetable Market) પાસે ટપોરીએ વરદીમાં આવેલા હેડ કોન્સ્ટેબલનો (Constable) કોલર પકડી બે ત્રણ તમાચા મારી દીધા હતા. અને અગર મેરે ઉપર કેસ બનાયા તો છુટને કે બાદ તુમ્હે જીંદા નહી છોડુંગા કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે (Police) તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- લિંબાયતમાં ટપોરી રાજ: હેડ કોન્સ્ટેબલનો કોલર પકડી ટપોરીએ ત્રણ તમાચા મારી દીધા
- ટપોરીની ધમકી: અગર મેરે ઉપર કેસ બનાયા તો છુટને કે બાદ તુમ્હે જીંદા નહી છોડુંગા
- પોલીસ કંટ્રોલરૂમમાં મારામારી થઈ હોવાનો કોલ મળતા પીસીઆર સ્થળ પર ગઈ હતી
લિંબાયત પોલીસ મથકમાં પીસીઆરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કલ્પેશ શંભુભાઈ ચૌધરી શુક્રવારે રાત્રે નાઈટ પેટ્રોલીંગમાં હતા. ત્યારે પોલીસ કંટ્રોલરૂમમાંથી નીલગીરી શાંતિનગર શાકભાજી માર્કેટમાં ઝઘડો થતો હોવાનો કોલ મળ્યો હતો. તેઓ સ્થળ પર પહોંચતા ત્યાં કોઈ મળી આવ્યું નહોતું. હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ પીસીઆર વાન તરફ જતા હતા ત્યારે એક અજાણ્યો દેખાતા તેને અહીયા કોઈ ઝઘડો થયો છે કે કેમ પુછતા અજાણ્યાએ તારે શુ કામ છે? અહી કોઈ ઝઘડો થયો નથી તેમ જવાબ આપ્યો હતો. જેથી કલ્પેશભાઈએ અજાણ્યાને તું અહી શુ કરે છે? તારુ નામ શુ છે? પુછતા અજાણ્યાએ મારુ નામ જાણીને શું કરવુ છે અને હુ જે પણ કરતો હોવ તેનાથી તમારે શુ મતલબ છે તેમ કહીને ઉદ્ધટ વર્તન કર્યું હતું.
પોલીસે તેને ઘરે જવાનું કહેતા તે ઉશ્કેરાયો હતો. અને કલ્પેશભાઈની વર્દીનો કોલર પકડી બે ત્રણ બટન તોડી નાંખ્યા હતા. અને તુ મુજે પહેચાનતા નહી હે મે કોન હું કહી ઝપાઝપી કરી બે ત્રણ તમાચા મારી દીધા હતા. કલ્પેશભાઈ સાથેના કોન્સ્ટેબલે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા બીજી પીસીઆર વાન ત્યાં પહોંચી હતી. ત્યારે અજાણ્યાએ ઉશ્કેરાઈને કલ્પેશભાઈને અગર મેરે ઉપર કેસ બનાયા તો છુટને કે બાદ તુમ્હે જીંદા નહી છોડુગાં તેવી ધમકી આપી હતી. બાદમાં અજાણ્યાનું નામ પુછતા ચંદ્રવીર ફુલસગિં રાજપુત (ઉ.વ.૨૫રહે, સંજયનગર લિંબાયત) હોવાનું જણાવ્યું હતુ. પોલીસે તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.