નડિયાદ: સ્વચ્છ ભારત મિશનને 9 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તારીખ 1-10-2023 ના રોજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે, ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગ્રામ પંચાયતની સીમમાં «સ્વચ્છતા હી સેવા» અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
જિલ્લા વિકાસ અધિકારીએ «સ્વચ્છતા હી સેવા» અભિયાન અંતર્ગત પ્રત્યેક વ્યક્તિને એક કલાક મહાશ્રમ દાન કરી આ અભિયાનમાં જોડાઈને પોતાનો સ્વચ્છતા કાર્યક્રામમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. તદુપરાંત ઉત્તરસંડા ગામના લોકોનો સ્વછતા અંગેનો ઉત્સાહ બિરદાવતા જણાવ્યું કે, આ ગામના લોકો સ્વચ્છતા અંગે જાગૃત છે. ગામમાં નાના બાળકોથી માંડીને વયવૃદ્ધ લોકો પણ આ અભિયાનમાં જોડાયા છે તે સૌ પ્રત્યે જિલ્લા વિકાસ અધિકારીએ આભાર વ્યક્ત કર્યો ગતો. તેમજ આ મહાશ્રમદાન એક દિવસ માટે નહિ પરંતુ આવનારા સમયમાં પણ આપણે પોતાની આસ-પાસ સ્વચ્છતા રાખીએ તેવી અપીલ કરી હતી.
આ શ્રમદાન કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગામમાં દુકાનદાર, શાકભાજી લેતી મહિલાઓને કાપડની બેગ આપી હતી અને પ્લાસ્ટિક બેગ ઉપયોગ ન કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથોસાથ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉત્તરસંડા ગ્રામ પંચાયતના સફાઈકર્મીઓને સન્માન પત્ર આપી ગામમાં સ્વચ્છતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તથા વિધવા બહેનોને રાશનની કીટ આપી હતી. ત્યારબાદ શિવની ગોયલ અગ્રવાલે ઉત્તરસંડા ગામમાં પોતાની માતા સાથે આ મહાશ્રમદાન «સ્વચ્છતા હી સેવા» અભિયાનમાં જોડાઈને ઉત્તરસંડા ગામની સીમમાં સફાઈ કરી હતી. આ કાર્યક્રમમાં ઉત્તરસંડા ગામના સરપંચ ઈશીતભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, આશાવર્કરો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં.