સુરત(Surat) : આજે મંગળવારે સવારે સુરત જિલ્લા કલેક્ટર કચેરી (Collectorate) વિદ્યાર્થીઓના (Students) વિરોધ (Protest) પ્રદર્શનથી હચમચી ઉઠી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના (ABVP) બેનર હેઠળ વિદ્યાર્થીઓનું એક ટોળું કલેક્ટર કચેરીમાં ધસી આવ્યું હતું અને સરકાર વિરુદ્ધમાં નારા પોકારવા લાગ્યા હતા, જેના લીધે તંત્ર દોડતું થઈ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે મંગળવારે સવારે સુરત કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થી નેતાઓએ સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી જઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
શિક્ષકોની (Teachers) કાયમી ભરતીના મામલે આજે સુરત કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ટેટ અને ટાટની પરિક્ષા પાસ કરી ચૂકેલા ઉમેદવારોની કાયમી ભરતીની માંગ પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
એબીવીપીના નેતા વીરતી શાહે કહ્યું કે ટેટ અને ટાટની કાયમી ભરતી થવી જોઈએ તેવી અમારી માંગ છે. ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારો સાથે સરકાર અન્યાય કરી રહી છે. સરકાર 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ભરતી કરે છે તે ખરેખર ખોટું છે. આવી ભરતી તાત્કાલિક રદ કરી કાયમી ભરતી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. સરકારની નીતિના લીધે ઉમેદવારોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે. જો તેમ છતાં સરકાર કાયમી ભરતી નહીં કરે તો આ મામલે રાજ્યભરમાં આંદોલન છેડવામાં આવશે.
એબીવીપીના નેતા જયદીપ ઝંઝાળાએ આ મામલે કહ્યું કે, અમારી માંગ નહીં સંતોષવામાં આવશે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો સાથે રાખી આ આંદોલન કરવામાં આવશે. આ સાથે જ એબીવીપીના કાર્યકરોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.