વલસાડ, બીલીમોરા, ધરમપુર, ખેરગામ, વાંસદા, પારડી: (Valsad, Bilimora) વલસાડમાં શુક્રવારે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યું હતું. ઉપરાંત ધરમપુર, બીલીમોરા, ખેરગામ અને વાંસદા તાલુકામાં મુસ્લિમ (Muslim) બિરાદારો દ્વારા હજરતે આલા મસ્જિદથી પયગમ્બર સાહેબના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે જુલુસ નીકળ્યું હતું.
- વલસાડ-બીલીમોરા-ધરમપુર-ખેરગામ-વાંસદા-પારડીમાં ઈદ એ મિલાદ ઉન નબીની ઉજવણી
- વલસાડમાં શુક્રવારે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું
જેમાં મોટી સંખ્યામાં તાલુકાભરના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. સમગ્ર વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ સાહેબના જન્મદિવસ ઇદે મિલાદુન્નબીની દર વર્ષ મુસ્લિમ સમાજ દ્વારા શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવે છે. માજી મુતુવલ્લી ઝમીરભાઈ તથા જન્નત નશીન અમન ઉલ્લા મુસ્તફા શેખના પ્રાંગણમાં ઝૂલૂસે વિરામ કરી રિફાઇ દ્વારા ભક્તિ ગીતો ગાયા બાદ આમ ન્યાઝમાં સૌ બિરાદરો જોડાયા હતા.
વાંસદા મુસ્લિમ સમાજના ટ્રસ્ટીઓએ વાંસદામાં શાંતિ ભાઈચારો હંમેશા બની રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. ધરમપુરમાં હાજી અનિસ પઠાણ, યુસુફ પ્રધાન, હાજી અસલમ પાનવાલા, ફારૂક પઠાણ, યાકુબ પઠાણ, મહમદ કમર આલમ, ઈરફાન પઠાણ સહિતની ઉપસ્થિતિમાં જુલુસમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બીલીમોરામાં ઈદેમિલાદુન્નબીની ભવ્ય જુલુસ કાઢી ઉજવણી કરવામાં આવી હતી. બીલીમોરા પી.આઇ સહિત પોલીસ સ્ટાફે બંદોબસ્ત સાચવ્યો હતો.
અંકલેશ્વર શહેર સહિતના પંથકમાં ઇદે મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી
અંકલેશ્વર: અંકલેશ્વરમાં ગુરુવારે પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા. નિયાઝ નજરાના મસ્જિદની અંદર જ વહેંચવામાં આવ્યા હતા, અને મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જીયારત કરાવાઈ હતી. જ્યારે ઇદે મિલાદનું જુલૂસ શુક્રવારે સવારે 8 કલાકે અંકલેશ્વર શહેર જશ્ને ઇદે મિલાદુન્નબી કમિટીના નેજા હેઠળ કસ્બાતીવાડ ખાતેના જમાતખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારક સાથે દુરુદો સલામ પઢતા પઢતાં નીકળ્યું હતું. સરકાર કી આમદ મરહબા, દિલદાર કી આમદ મરહબાના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું.
મોટામિયાં માંગરોળની ગાદી તેમજ પાલેજ મુકામે ઇદે મિલાદની ભવ્ય ઉજવણી
વાંકલ: દરગાહ કમ્પાઉન્ડમાં મોટામિયાં માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર-અનુગામી ડો. મતાઉદીન ચિશ્તીની, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીની વિશેષ ઉપસ્થિતિમાં પયગંબર સાહેબના પવિત્ર મુએ (બાલ) મુબારકની ઝિયારત અકીદતમંદોએ કરી તેમજ કોમી એકતા અને ભાઇચારા માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાલેજ મોટામિયાં બાવાની દરગાહ ખાતે ઈદે મિલાદ તહેવાર નિમિત્તે ઝિયારત કરાવવામાં આવી હતી.