Sports

એશિયન ગેમ્સ: ભારતીયોએ શૂટિંગમાં કર્યું કમાલ, મહિલા ખેલાડી પલક અને ઇશાએ જીત્યું ગોલ્ડ અને સિલ્વર મેડલ

નવી દિલ્હી: એશિયન ગેમ્સના (Asian Games) છઠ્ઠા દિવસે શુક્રવારે એટલે કે 29 સપ્ટેમ્બરે ભારતીય શૂટર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મહિલા અને પુરૂષ ખેલાડીઓએ મળીને ભારતના (India) ખાતામાં પાંચ મેડલ ઉમેર્યા છે. એશિયન ગેમ્સની વર્તમાન આવૃત્તિમાં ભારતે હવે માત્ર શૂટિંગમાં (Shooting) જ 18 મેડલ જીત્યા છે. જેમાં છ ગોલ્ડ, સાત સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. છઠ્ઠા દિવસે ઈશા સિંહ અને પલક સિવાય ઐશ્વર્યા પ્રતાપ સિંહે બે મેડલ જીત્યા છે.

એશિયન ગેમ્સ 2023માં ભારતે શુટિંગના મહિલા 10 મીટર એર પિસ્તોલના અંતિમ રાઉન્ડમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યા છે. જ્યારે પાકિસ્તાની ખેલાડીએ ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પલક અને ઈશા સિંહે ભારત વતી શાનદાર પ્રદર્શન કર્યું અને એશિયન ગેમ્સનો રેકોર્ડ પણ તોડ્યો. ભારતીય શૂટરોએ હાંગઝોઉ એશિયન ગેમ્સમાં દેશ માટે શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં શૂટિંગમાં 6 ગોલ્ડ મેડલ જીત્યા છે.

પલક ગુલિયા અને ઈશા સિંહે એશિયન ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા. બંનેએ એકબીજાને સખત પડકાર આપ્યો અને ટોચના બે સ્થાન મેળવ્યા. 17 વર્ષની પલકને ગોલ્ડ અને ઈશાએ સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતે આ એશિયન ગેમ્સમાં શૂટિંગમાં છ ગોલ્ડ સહિત 17 મેડલ જીત્યા છે. પાકિસ્તાનની તલત કિશ્માલાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પલકનો આ પહેલો વ્યક્તિગત મેડલ છે. પલકે ફાઇનલમાં 242.1નો સ્કોર કર્યો જે એશિયન ગેમ્સમાં એક રેકોર્ડ છે. બુધવારે 25 મીટર પિસ્તોલમાં વ્યક્તિગત સિલ્વર જીતનારી ઈશા 10 મીટર એર પિસ્તોલ સિલ્વર જીતનારી ટીમનો પણ ભાગ હતી. ઈશાએ વ્યક્તિગત ફાઇનલમાં 239.7નો સ્કોર કર્યો હતો.

ઐશ્વર્યા પ્રતાપ સિંહ, સ્વપ્નિલ અને અખિલની ત્રિપુટીએ શૂટિંગમાં અજાયબીઓ કરી હતી. ત્રણેય સાથે મળીને 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ત્રણેએ મળીને 1769નો સ્કોર કર્યો. એશ્વાર્થ, સ્વપ્નિલ અને અખિલે પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ સ્પર્ધામાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ અમેરિકાના નામે હતો. તેણે ગયા વર્ષે 1761નો સ્કોર કર્યો હતો.

Most Popular

To Top