સુરત: (Surat) લિંબાયત ખાતે સૌથી સંવેદનશીલ વિસ્તારમાં ગુરુવારે શ્રીજીની વિસર્જન યાત્રા (Visarjan Yatra) આશરે 12 વાગે શરૂ થઈ બપોરે સંપન્ન થઈ હતી. ભાઈચારા અને એકતાની મિશાલ સાથે શાંતિપૂર્ણ (Peaceful) માહોલમાં લિંબાયતમાં વિસર્જન થયું હતું. 310 પ્રતિમામાંથી 20 મૂર્તિનું વિસર્જન ઘરઆંગણે થયું હતું.
- લિંબાયતમાં વિસર્જન યાત્રા મોડી શરૂ થઈ અને વહેલા પૂરી થઈ ગઈ
- લિંબાયતમાં કુલ 310 પ્રતિમા પૈકી 20 મૂર્તિ લોકોએ ઘરઆંગણે જ વિસર્જિત કરી
શહેરમાં ગુરુવારે પહેલી વખત વિસર્જન યાત્રાનો ટ્રેન્ડ બદલાયો હતો. શહેરમાં મળસકે જ કેટલાંક મંડળોએ ગણપતિની વિસર્જન યાત્રા શરૂ કરી દીધી હતી. દર વખતે શહેરમાં લિંબાયત વિસ્તારની ગણેશ વિસર્જન યાત્રા વધારે મહત્ત્વની મનાય છે. કારણ કે, પોલીસ માટે અહીં ભૂતકાળમાં ઘણા પડકારો ઝીલવા પડ્યા હતા. પરંતુ કેટલાંક વર્ષોથી અહીં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા પૂર્ણ થઈ રહી છે. આ વખતે પણ લિંબાયતમાં પોલીસનો વિશેષ બંદોબસ્ત હતો. ૩ આઈપીએસ અધિકારીઓએ ખડેપગે રહી વિસર્જન યાત્રા સંપન્ન કરી હતી.
પરંતુ ગુરુવારે 12 વાગ્યા સુધી લિંબાયત વિસ્તારમાં વિસર્જન માટે નીરસ માહોલ જોવા મળ્યો હતો. એકપણ શ્રીજીની પ્રતિમા વિસર્જન કરવા નીકળી ન હતી. 11:59 મિનિટે પહેલી પ્રતિમા વિસર્જન માટે સંગમ બેન્ડ સર્કલ સુધી પહોંચી હતી. ત્યાર પછી ધીમે ધીમે વિસર્જન યાત્રા શરૂ થઈ હતી. બપોરે દોઢથી બે વાગ્યા સુધી તો વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. લિંબાયતમાં 25 પ્રતિમા સૌથી મહત્ત્વની મનાય છે. આ પ્રતિમાઓ સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળતી હોય છે. આ સિવાય બપોર સુધીમાં કુલ 310 પ્રતિમા વિસર્જીત થઈ હતી, જેમાંથી 20 મૂર્તિ તો ઘરઆંગણે જ વિસર્જિત કરવામાં આવી હતી.