આખા વિશ્વને ધ્રુજાવી ગયેલી કોરોનાની મહામારી સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. કોરોનાના કેસ હજુ પણ આવતા જ રહે છે. કોરોનાને વેક્સિનેશન દ્વારા કાબૂમાં કરી શકાઈ છે. કોરોનાના કેસ ઘટ્યા જરૂર છે પરંતુ હવે એક નવી જ ચિંતા ઉભી થઈ ગઈ છે. ગુજરાતમાં અને આખા રાજ્યમાં કોઈપણ પ્રકારની હ્રદયરોગની હિસ્ટ્રી નહીં હોવા છતાં પણ અચાનક હાર્ટ એટેક આવીને મોત થવાની ઘટનાઓ એક પછી એક બની રહી છે અને હવે ધીરેધીરે આ ઘટના વધી પણ રહી છે. ઉંમર વધારે હોય અને હાર્ટ એટેક આવે તો કદાચ સમજી પણ શકાય પરંતુ નાની ઉંમરની વ્યક્તિઓને અચાનક હાર્ટ એટેક આવીને મોત થવાની ઘટના ધીરેધીરે એક ડરનો માહોલ ઊભો કરી રહી છે.
હાલમાં જ એક જ દિવસમાં રાજ્યમાં અચાનક હાર્ટ એટેક આવીને મોતની 7 ઘટના નોંધાઈ હતી. હાર્ટ એકેટ આવીને મોત થવાના રોજના 4થી 5 કિસ્સા સામે આવી રહ્યા છે. અચાનક હાર્ટ એકેટ અને તે પણ નાની ઉંમરની વ્યક્તિઓને કેમ આવી રહ્યા છે તેનું હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. એવા અનુમાનો લગાડવામાં આવ્યા હતા કે કોરોનાની રસીની આડઅસરો થઈ રહી છે અને તેને કારણે હાર્ટ એટેકની ઘટના બની રહી છે. જોકે, તેને હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જ પુષ્ટિ મળી નથી. જો આવું કારણ સામે આવે તો આખા દેશમાં મોટો હોબાળા મચી જાય તેમ છે.
થોડા સમય પહેલા જ્યારે ગુજરાતમાં નાની ઉંમરની વ્યક્તિઓમાં અચાનક હાર્ટ એટેક આવીને મોત થવાની ઘટના વધી ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેની તપાસ ICMRને સોંપવામાં આવી હતી. આશરે ચારેક મહિના પહેલા ICMR દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી . ICMRએ હાર્ટ એકેટની ઘટનાઓ અને જે તે દર્દીની હિસ્ટ્રી ચેક કરીને તપાસ કરવાની હતી પરંતુ હજુ સુધી ICMR કોઈ જ નિષ્કર્ષ પર આવી શકી નથી.
તે સમયે દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ભારત સરકાર પાસે કોવિન સોફ્ટવેરમાં તમામ વેક્સિનેટેડ વ્યક્તિના ડેટા છે અને તેનું એનાલીસિસ કરીને ICMR દ્વારા રિપોર્ટ આપવામાં આવશે અને તેના આધારે કેન્દ્ર સરકાર આગળ વધશે. મનસુખ માંડવીયાએ કરેલી જાહેરાતને આશરે ચારેક મહિના થઈ ગયા છે અને હજુ સુધી આ અંગે કોઈ જ સ્પષ્ટતા થઈ નથી. બીજી તરફ હાર્ટ એટેકને કારણે મોતની ઘટના વધી જ રહી છે. ICMR પોતાનો રિપોર્ટ આપશે ત્યારે આપશે પરંતુ તે પહેલા કેન્દ્ર સરકારે આ રિપોર્ટ પર આધાર રાખવાને બદલે તાકીદે આ અંગે પગલા લેવા પડે તેવી સ્થિતિ થઈ રહી છે.
માત્ર 10 વર્ષ, 12 વર્ષ કે પછી 13 વર્ષની વયની વ્યક્તિઓમાં જે રીતે હાર્ટ એટેકને કારણે મોત થવાની ઘટનાઓ બની રહી છે. તે ખૂબ જ ચિંતાજનક છે. સરકારે ક્યાં તો ICMR પાસે તપાસની પ્રક્રિયા ઝડપી કરાવવાની જરૂરીયાત છે અથવા તો સરકાર દ્વારા અન્ય એજન્સી પાસે આ અંગે તપાસ કરાવી તાકીદે પગલા લેવાની જરૂરીયાત છે. નાની ઉંમરની વ્યક્તિના હાર્ટ એટેકથી મોતની ઘટનામાં પોસ્ટમોર્ટમમાં પણ એટલી સ્પષ્ટતા થતી નથી કે હાર્ટ એટેક આવવા પાછળનું કારણ શું છે? આ રીતે મોત પાછળ કોરોનાની રસીને બદલે અન્ય કોઈ વાયરસ જવાબદાર તો નથી ને?
તાજેતરમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વમાં X નામના વાયરસનો હુમલો થવાની ભીતિ રજૂ કરવામાં આવી હતી. જો કેન્દ્ર સરકાર આ મુદ્દે તપાસ ઝડપી નહીં બનાવે તો આગામી સમયમાં અનેક લોકો હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવી શકે છે. આવી ઘટનાઓ પ્રત્યે હજુ સુધી કેન્દ્ર સરકાર ગંભીર નથી અને તે ખૂબ જ ચિંતાજનક છે. બની શકે કે અન્ય કોઈ વાયરસનો હુમલો હોય અને ધીરે ધીરે તે પ્રસરી રહ્યો હોય. કેન્દ્ર સરકાર તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને તાકીદે આ અંગે પગલા લે, અન્યથા આગામી સમયમાં આવી ઘટનાઓ મહામારીમાં ફેરવાય જાય તો સરકાર પાસે દોડવાનો પણ સમય નહીં રહે તે નક્કી છે.