સુરત(Surat) : ત્રણ મહિના પહેલા જ લગ્નગ્રંથિમાં જોડાયેલા અને બે મહિના પહેલા વતનથી પત્નીને લઈ સુરત આવેલા એક હીરા કાપવાના કામ સાથે સંકળાયેલા યુવકનું બપોરના ભોજન બાદ નિંદ્રાવસ્થામાં જ રહસ્યમયી મોત (Suspicions Death) નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મોત પહેલાં યુવક પર બે દિવસથી કેટલાંક ફોન આવી રહ્યાં હતાં તેના લીધે તેનું મોત થયું હોવાનું પરિવારજનો માની રહ્યાં છે.
- લોન નહિ ભરશો તો પોલીસ કેસ અને કોર્ટમાં લઈ જવાની ધમકી મળતા નવયુવાનનું નિદ્રાવસ્થામાં મોત
- નાઈટ પાળી કરીને આવેલા અશોકે ભોજન કર્યા બાદ ઊંઘમાં જ દમ તોડ્યો : ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતા
પ્રાપ્ત માહિતી અનુસૂર મૂળ ઉત્તરાખંડનો અશોક ગણેશ પ્રસાદ કુમાર માત્ર 20 વર્ષનો હતો. માતા-પિતાના મૃત્યુ બાદ ત્રણ ભાઈઓમાં અશોક થોડા મહિનાઓ પહેલા જ સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. તે અહીં હીરા કાપવાના કામે લાગ્યો હતો. નોકરી મળી ગયા બાદ ત્રણ મહિના પહેલા અશોકે લગ્ન કર્યા હતા અને બે મહિના પહેલા પત્નીને સુરત લઈ આવી ગયો હતો. અહીં દંપતીએ સુખમય દામ્પત્ય જીવનનો આરંભ કર્યો હતો.
મૃતકના પિતરાઈ ભાઈ કેમ્પાલે કહ્યું કે, દોઢ બે વર્ષ પહેલા અશોકે ધંધો શરૂ કરવા માટે સરકાર દ્વારા અપાતી રૂપિયા દોઢ લાખની લોન લીધી હતી. જે બાદમાં સરકારે માફ કરી દીધી હતી. પરંતુ અચાનક બે-ત્રણ દિવસ પહેલાં બેન્કમાંથી લોન ભરપાઈ કરવા માટે ફોન આવવા લાગ્યા હતા. બેન્ક તરફથી લોન ભરવા ભારે દબાણ કરાતું હતું. કોર્ટ કેસ કરવાની ધમકી અપાતી હતી.
દરમિયાન માનસિક તણાવની સ્થિતિમાં અશોક સોમવારે નાઈટ પાળી કરીને ઘરે આવ્યો હતો. ભોજન બાદ કામ પર જવાના સમયએ જગાડવાની સૂચના આપી તે બપોરે ઊંઘી ગયો હતો. સાંજે સમયસર પત્ની પ્રિયાએ તેને ઊંઘમાંથી જગાડવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ અશોક જાગ્યો ન હતો. ત્યાર બાદ ફેક્ટરીના મેનેજરનો સપર્ક કરી અશોકને તેની પત્ની હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં અશોકને મૃત જાહેર કરાયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે નવવધૂ પરિણીતા પ્રિયા પતિ અશોક હવે નહિ રહ્યો હોવાની જાણ બાદ આઘાતમાં ચાલી ગઈ હતી. અશોકના બન્ને ભાઈઓને બેગ્લોર જાણ કરાઈ છે. તેઓ આજે સુરત આવી પહોંચશે. અશોકના રહસ્યમયી મોત ને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. અશોક માનસિક તણાવમાં રહેતો હતો. જોકે પોસ્ટ મોર્ટમ બાદ અશોકના મોતનું કારણ જાણી શકાશે.