સુરત(Surat) : સ્માર્ટ સિટી (Smart City) સુરતમાં થોડો વરસાદ પડે તો રસ્તાઓ પર પાણી ભરાઈ જવા અને ટ્રાફિક જામના (Traffic) દ્રશ્યો હવે રોજના બની ગયા છે. આજે સોમવારે મધરાત્રિએ શહેરમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો, જેના લીધે શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સૌથી ખરાબ હાલત ઉધના નવસારી રોડની થઈ હતી. અહીં વરસાદી પાણી ભરાવાના લીધે બે કિ.મી. લાંબો ટ્રાફિક જામ થયો હતો. અહીં નવીન ફલોરિન પાસે મેઈન રોડ પર 1 કિ.મી. સુધી પાણી ભરાઈ ગયા હતા.
અહીં બીઆરટીએસ રૂટમાં તથા આસપાસ વરસાદી પાણી ભરાઈ ગયા હતા, તેના લીધે સવારે સ્કૂલ જતી વેન, બસ અને નોકરિયાતોના વાહનો અટવાયા હતા. સોમવારે ઉઘડતા દિવસે વરસાદી પાણી ભરાયા હોય રસ્તા પર વાહનો ફસાયા હતા. લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. કલાકો સુધી વરસાદી પાણી ભરાયેલા રહ્યા હોવા છતાં સુરત મનપા (SMC) તરફથી તે પાણી દૂર કરવાની કામગીરી નહીં કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતા અને વરસાદી પાણીના લીધે રસ્તા પર સર્જાયેલા ટ્રાફિકના જામના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી આક્રોષ વ્યક્ત કર્યો હતો.
હવામાન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી આગાહી કરવામાં આવી હતી અને સોમવારે મધરાત બાદ સુરત શહેરમાં વરસાદનો દૌર શરૂ થયો હતો અને ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ઉધના અને લિંબાયત સહિત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં મધરાત બાદ આઠ કલાકમાં અંદાજે પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઉધનાના નીચાણવાળા વિસ્તારો, લિંબાયતના નીચાણવાળા વિસ્તારો સહિત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.
લિંબાયત-અડાજણમાં બેથી ત્રણ ફૂટ જેટલાં પાણી ભરાયા
વરસાદને કારણે સવારે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ સહિત નોકરીયાત વર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. તેમજ વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. સુરત શહેરના ઉધનાના વરસાદને કારણે શ્રીનાથજી સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સિવાય પણ લિંબાયત અને અડાજણ ગંગેશ્વર મહાદેવ સહિતના વિસ્તારોમાં પણ બેથી ત્રણ ફુટ જેટલા પાણી ભરાયા હતા. હવામાન વિભાગ દ્વારા શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
કયા ઝોનમાં કેટલો વરસાદ વરસ્યો?
સવારે 6 વાગ્યા સુધીમાં મધરાત્રિ દરમિયાન સૌથી વધુ સાઉથ ઝોનમાં 100 મિ.મી. વરસાદ વરસ્યો હતો, જ્યારે સાઉથ ઈસ્ટ ઝોનમાં 37 મિ.મી. વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ઈસ્ટ ઝોનમાં 5 અને ઈસ્ટ ઝોન એ માં 9 મિ.મિ. વરસાદ પડ્યો હતો. સવારે 6થી 8 દરમિયાન સાઉથ ઝોનમાં 22 મિ.મિ., સાઉથ ઈસ્ટ ઝોનમાં 14 મિ.મિ., સાઉથ વેસ્ટ ઝોનમાં 8 મિ.મિ., ઈસ્ટ ઝોન એમાં 10, વેસ્ટ ઝોનમાં 17 મિ.મિ. અને સેન્ટ્રલ ઝોનમાં 13 મિ.મિ. વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ બપોરે 12 વાગ્યે સુરત શહેરમાં ફરી વરસાદ વરસ્યો હતો. ઈસ્ટ ઝોનમાં 30 મિ.મિ., ઈસ્ટ ઝોન એમાં 14 મિ.મિ. વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો
રાજ્યમાં ફરી એકવાર ચોમાસું જામ્યું છે. વીતેલા 24 કલાક દરમિયાન રાજ્યના 81 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ નર્મદાના નાંદોડમાં સાડા 5 ઈંચ વરસાદ વરસ્યો છે. નર્મદાના તિલકવાડામાં પણ 3 ઈંચ વરસાદ પડ્યો છે. સુરત શહેર જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો છે.