વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે દેશવાસીઓને એક સાથે નવ વંદે ભારત ટ્રેનની (Vande Bharat Train) ભેટ આપી છે. PM મોદીએ દક્ષિણ મધ્ય રેલવે (SCR)ની બે સેવાઓ સહિત નવ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાચીગુડા-યશવંતપુરા અને વિજયવાડા-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ રૂટ વચ્ચે વંદે ભારત ટ્રેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં આધુનિક કનેક્ટિવિટીનો વિસ્તાર કરવાની આ અભૂતપૂર્વ તક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની આ ગતિ અને સ્કેલ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ સાથે બરાબર મેળ ખાય છે અને આજનું ભારત આ જ ઈચ્છે છે. તેમણે કહ્યું કે આજે શરૂ થયેલી ટ્રેનો પહેલા કરતા વધુ આધુનિક અને આરામદાયક છે. આ વંદે ભારત ટ્રેનો નવા ભારતના નવા જોશ અને નવા ઉત્સાહનું પ્રતિક છે.
તેમણે કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે ઘણા એવા રેલવે સ્ટેશન છે જેનો છેલ્લા ઘણા સમયથી વિકાસ થયો નથી. આ સ્ટેશનોને વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે અમૃત સમયગાળા દરમિયાન બનાવવામાં આવેલા નવા સ્ટેશનોને ‘અમૃત ભારત સ્ટેશન’ કહેવામાં આવશે. તેમણે કહ્યું કે વંદે ભારત ટ્રેનોએ પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપ્યો છે. જ્યાં વંદે ભારત ટ્રેન પહોંચી રહી છે ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે ત્યાં રોજગારીની તકો પણ ઉભી થઈ રહી છે.
- આ રૂટ પર શરૂ થઈ વંદે ભારત ટ્રેન
- ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ
- હૈદરાબાદ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ
- પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ
- રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ
- જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ
- રાંચી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ
- તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ
- વિજયવાડા-રેનિગુંટા-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ
- કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ
યાત્રીઓનો સમય બચશે
વંદે ભારત ટ્રેનો તેમની ઝડપને કારણે મુસાફરીનો સમય ઘટાડશે. જે રાજ્યો વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે ત્યાં ઓછા સમયમાં પહોંચી શકાશે. રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ બંને શહેરો વચ્ચેની મુસાફરી 3 કલાક ઓછા સમયમાં પૂર્ણ કરશે, જ્યારે કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ તેના રૂટ પર દોડતી સૌથી ઝડપી ટ્રેન છે જે 3 કલાક ઓછો સમય લેશે. તેવી જ રીતે હૈદરાબાદ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ 2 કલાક 50 મિનિટ વહેલા પહોંચશે. એ જ રીતે તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ પ્રવાસમાં 2 કલાકનો ઘટાડો કરશે. રાંચી અને હાવડા વચ્ચે દોડતી રાંચી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ 1 કલાક ઓછા સમયમાં મુસાફરી કરશે જ્યારે પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ બંને શહેરો વચ્ચેનું અંતર 1 કલાક ઓછું કરશે. તેવી જ રીતે જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ તેના રૂટ પર દોડતી ટ્રેનો કરતા 1 કલાક ઓછો સમય લેશે. ઉદયપુર-જયપુર વંદે ભારત ટ્રેન 30 મિનિટથી ઓછા સમયમાં પહોંચાડશે.