SURAT

ઉપરવાસમાં વરસાદથી પાણીનો આવરો શરૂ થતાં ઉકાઈ ડેમમાંથી તાપીમાં છોડાઈ રહ્યું છે આટલું પાણી

સુરત: (Surat) ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદના (Rain) વિરામ વચ્ચે ગઈકાલે રાતથી ડેમના 2 ગેટ 6 ફુટ ખોલીને 44 હજાર ક્યુસેક પાણી (Water) છોડવામાં આવી રહ્યું છે. સાંજે પાણીની આવક અને જાવક 44 હજાર ક્યુસેક નોંધાવાની સાથે સપાટી 343.88 ફુટે પહોંચી હતી.

  • ઉપરવાસની નવી સામાન્ય આવકને પગલે ઉકાઈમાંથી 44 હજાર ક્યુસેક પાણી છોડાયું
  • એક તબક્કે ડેમમાં 92 હજાર ક્યુસેક પાણીની આવક થતા 2 ગેટ 6 ફુટ ખોલી દેવાયા, સપાટી 343.88 ફુટ
  • હથનૂર ડેમ ઉપરાંત ઉકાઈના ઉપરવાસમાં સામાન્ય વરસાદથી પાણીનો આવરો શરૂ થતાં તંત્રની કાર્યવાહી
  • વરસાદના વિરામ વચ્ચે હથનુર ડેમમાંથી 31 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું છે

ઓરિસ્સામાંથી લો પ્રેસર સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ઉત્તરપ્રદેશ તરફ જવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. આ દરમિયાન સામાન્ય વરસાદની અસર હથનુર અને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તથા અપરબેઝમાં રહેવાની આગાહી હતી. ઉકાઈ ડેમના બે ગેટ 6 ફુટ સુધી ગઈકાલ રાતથી ફરી ખોલી દેવાયા છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા યેરલીમાં 22 મીમી, ધુલિયામાં 25 મીમી, ખેતીયામાં 15 મીમી અને લુહારામાં 30 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાયના રેઈનગેઝ સ્ટેશનો પર વરસાદનો વિરામ છે. વરસાદના વિરામ વચ્ચે હથનુર ડેમમાંથી 31 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું છે.

જ્યારે ઉકાઈ ડેમમાં ગઈકાલે રાત્રે 92 હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. જેની સામે ડેમમાંથી 44 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ કરાયું છે. આજે સાંજે ઉકાઈ ડેમમાં પાણીની આવક અને જાવક બંને 44 હજાર ક્યુસેક નોંધાઈ છે. જ્યારે ડેમની સપાટી 343.88 ફુટ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે ડેમ હાલ રૂલ લેવલથી માત્ર સવા ફુટ નીચે છે.

હવે માત્ર લોકલ એક્ટિવિટીથી છૂટોછવાયો વરસાદ, કોઈ આગાહી નહીં, ક્રમશ: ચોમાસુ વિદાય લેશે
હવામાન વિભાગે હવે વરસાદની કોઈ સિસ્ટમ નહી હોવાનું જણાવ્યું છે. હાલ લોકલ રેઈનફોલ એક્ટિવીટીને કારણે છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અઠવાડિયું, દસેક દિવસ સુધી આ વાતાવરણ યથાવત રહેશે અને ત્યારપછી ધીમે ધીમે વરસાદ વિદાય લેશે. આજે જિલ્લાના મહુવામાં 11 મીમી, ઉમરપાડામાં 4 મીમી, સુરતમાં 5 મીમી, ચોર્યાસીમાં 2 મીમી, બારડોલીમાં 28 મીમી વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top