ચંદીગઢ: (Chandigarh) NIAએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુના (Gurpatwant Pannu) ઘરે દરોડા પાડીને તેની સંપત્તિ જપ્ત કરી છે. આ દરોડો ચંદીગઢના સેક્ટર-15 સ્થિત એક મકાનમાં પાડવામાં આવ્યો હતો. પન્નુનું ઘર આ જગ્યા પર છે. નોંધનીય છે કે NIAએ પહેલા આતંકીઓની (Terrorist) યાદી જાહેર કરી હતી અને હવે તેમના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારત-કેનેડા તણાવ વચ્ચે પન્નુએ એક વીડિયો બહાર પાડી કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડવાની ધમકી આપી હતી.
NIA મોહાલી કોર્ટના આદેશ પર ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના મુખ્ય આતંકવાદી ગુરપતવંત પન્નુની તમામ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. એનઆઈએએ ઘરની બહાર બોર્ડ લગાવીને સ્પષ્ટ કર્યું છે કે પન્નુનો હવે આ સંપત્તિ પર કોઈ અધિકાર નથી અને તે હવે સરકારી સંપત્તિ બની ગઈ છે. નોંધનીય છે કે ગુરપતવંત પન્નુ 2020માં મોહાલીમાં નોંધાયેલા કેસમાં ભાગેડુ છે. જે સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમાં NIA દ્વારા કોર્ટના આદેશ પર હવેલીનો ચોથો ભાગ જપ્ત કરી લેવાયો છે. આ સાથે અમૃતસરના ખાનકોટ ગામમાં પન્નુની 46 કનાલ ખેતીલાયક જમીન પણ જપ્ત કરવામાં આવી છે. જણાવી દઈએ કે ખાનકોટ પન્નુનું પૈતૃક ગામ છે. અહીં તેની ખેતીની જમીન છે. પન્નુનું ઘર ચંદીગઢના સેક્ટર 15 સીમાં છે જે હવે NIAએ લઈ લીધી છે.
ગુરપતવંત અમેરિકામાં રહે છે
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ હાલમાં અમેરિકામાં છે અને ત્યાંથી વિડીયો જાહેર કરીને ભારતીયો સામે ઝેર ઓકે છે. વર્ષ 2020માં પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેની મિલકતો જપ્ત કરવામાં આવી હતી. કેનેડામાં નિજ્જરની હત્યા બાદ જ્યારે ત્યાંના વડાપ્રધાને આ મામલે ભારતીય એજન્ટોની સંડોવણી અંગે નિવેદન આપ્યું ત્યારે કેનેડા અને ભારત વચ્ચે તણાવ વધી ગયો. આ દરમિયાન ગુરપતવંતનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેણે કેનેડામાં રહેતા હિન્દુઓને કેનેડા છોડીને ભારત જવાની ધમકી આપી હતી.
બીજી તરફ કેનેડા-ભારતના વણસેલા સંબંધોને કારણે લોકો મુશ્કેલીમાં મુકા તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. ત્યારે બીજી તરફ બંને દેશોએ નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે તેઓ દેશમાં સુરક્ષિત છે. કેનેડામાં રહેતા ભારતીય લોકોએ ગભરાવાની જરૂર નથી કારણકે કેનેડા સરકારે પણ કહ્યું છે કે અહીં લોકો સુરક્ષિત છે.