વ્યારા: (Vyara) રાજ્યમંત્રી કુંવરજી હળપતિ છેલ્લા ઘણા સમયથી કોઇને કોઇ મુદ્દાને લઈ ચર્ચાના સ્થાને રહ્યા છે. છેલ્લા થોડાક સમયથી તેમની સાથેનો વિવાદ પીછો છોડતો ન હોય તેમ એક પછી એક વિવાદ સામે આવી રહ્યો છે. ભરૂચમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત વેળા પૂર પીડિતોના રોષનો ભોગ બન્યા હતા. ત્યાર બાદ આંદોલનકારીઓ વચ્ચે આદિવાસીઓને અન્યાય થશે તો સૌથી પહેલા હું રાજીનામું આપીશ, તેવા લાગણીસભર શબ્દો બાદ અચાનક રાજ્યમંત્રી કુંવરજી હળપતિ અને આદિવાસી આંદોલનકારીઓ વચ્ચે બોલાચાલી સાથે હાકલા પડકારા થયા હતા.
- વ્યારામાં આદિવાસી આંદોલનકારીઓ સાથેની બેઠકમાં તડાફડી, મંત્રી કુંવરજીએ ટેબલ ઠોકી ચાલતી પકડી
- આદિવાસી વિસ્તારમાં આંદોલનોને પછાડી પાડવા ભાજપના કાર્યકર્તાઓ સક્ષમ હોવાનું મંત્રી કુંવરજી હળપતિએ કહેતાં વિવાદ સર્જાયો
- આંદોલનને કચડી નાંખવા ભાજપના નેતા સક્ષમ છે, એટલે અમે નકસલી છીએ? : લાલસિંગ ગામીત, આદિવાસી સમાજ આગેવાન
તાપી જિલ્લા ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વ્યારામાં યોજાયેલી રક્તદાન શિબિરમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા રાજ્યના મંત્રી કુંવરજી હળપતિએ આદિવાસી વિસ્તારમાં થતાં આંદોલનોને પછાડી પાડવા ભાજપના કાર્યકર્તાઓ સક્ષમ હોવાની વાત કરી હતી. જેને પકડી વ્યારા સરકીટ હાઉસ પર આદિવાસી આંદોલનકારીઓ સાથે યોજેલી બેઠકમાં તડાફડી બોલાતાં વાતાવરણ ગરમાયું હતું. આ ઘટનાથી નેતાઓ-આંદોલનકારીઓમાં પણ સોપો પડી ગયો હતો.
મંત્રી કુંવરજી હળપતિએ શરૂઆતમાં વ્યારા સિવિલના ખાનગીકરણ અંગેની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, વ્યારા સિવિલના ખાનગીકરણ બાદ ૩૦૦ બેડ સુધી આદિવાસીઓને હોસ્પિટલ મફત સારવાર મળશે. દાહોદમાં પણ હોસ્પિટલનું ખાનગીકરણ કરાયું ત્યાં આદિવાસીઓને મફત સારવાર મળી રહી છે, તમે આદિવાસીઓને ઉશ્કેરવાનું બંધ કરવા જણાવ્યું હતું.
આદિવાસી સમાજના આગેવાન લાલસિંગ ગામીતે જણાવ્યું હતું કે, આદિવાસીઓના આંદોલનને કચડી નાંખવા માટે ભાજપના નેતા સક્ષમ છે, એટલે અમે નકસલી છીએ? તમે આવા શબ્દો કેમ વાપર્યા? આ શબ્દો અમારા માટે નહીં તો કોના માટે? તેવું કહેતાં મંત્રી અકળાયા હતા. મામલો ગરમાતાં તંગદીલી ન સર્જાય એ માટે પોલીસે વારંવાર આદિવાસી સમાજના આગેવાનો અને મંત્રી વચ્ચે હાથ લાંબો કરી બંનેને દૂર કરવાના પ્રયાસો કર્યા હતા. અંતે વાતાવરણ ઉગ્ર બને એ પહેલાં મંત્રી કુંવરજી હળપતિએ ટેબલ ઠોકી આ બેઠકને અધવચ્ચે મૂકી ચાલતી પકડી હતી.